સુરતમાં વાસણ, ટાઇલ્સ, બાથરૂમ ધોવા માટે લિક્વિડ બનાવતી બ્રાન્ડેડ કંપનીનો ડુપ્લિકેટ સામાન બનાવવા માટે સરથાણામાં પતરાંના શેડમાં ચાલતુ કારખાનું ઝડપાયું છે. મુંબઈની ટીમે સ્થાનિક પોલીસને સાથે દરોડા પાડી 3.31 લાખનો સામાન કબજે લઈ એકની ધરપકડ કરી હતી.
મુંબઈમાં નેત્રિકા કન્સલ્ટ પ્રા.લિ.ના ફિલ્ડ ઓફિસર વિનોદ સુમરા સુરત દોડી આવ્યા હતા. ફિનાઇલ, વાંસણ-બાથરૂમ ધોવા માટે દેશની જાણીતી કંપની દ્વારા તેમની કંપનીની લીગલ કામ માટે ઓથોરિટી આપવામાં આવી હતી. આ ફિનાઈલ કંપનીના નામ-સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાનો સામાન પેક કરી બજારમાં વેચવામાં આવતું હોવાની ફરિયાદ મળી હતી.
તપાસમાં સુરતના સરથાણા વિસ્તારમાં સીમાડા કેનાલ રોડ પર આરના એન્ટરપ્રાઇઝ નામથી પતરાંનો મોટા શેડની આડમાં આખું કારખાનું ઊભું કરાયાનું બહાર આવતાં તેઓ સુરત આવી પહોંચ્યા હતા. સરથાણા પોલીસને સાથે રાખી રેડ કરવામાં આવી હતી. અહીંથી બનાવટી ફિનાઇલ, ટોઈલેટ ક્લીનર, ટાઇલ્સ ક્લીનર, ડીશ વોશર સહિતનો જંગી જથ્થો મળી આવ્યો હતો.
આ બાન્ડેડ કંપનીના સ્ટીકર, કેન, બોટલનો જથ્થો પણ મળ્યો હતો. પોલીસે આ કારખાનું ચલાવનાર અતુલ વજુ ગલાણી (રહે. મારુતિધામ રો-હાઉસ, સરથાણા)ની ધરપકડ કરી હતી. બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર-બોટલ કઈ રીતે મેળવાતા હતા તે પણ તપાસનો વિષય બન્યો છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય