સુરત સમાચાર
સુરતના સચીન જીઆઈડી વિસ્તારમાં આવેલી એથર કેમિકલ કંપનીમાં મંગળવારે રાત્રે આગ ફાટી નીકળી હતી. જેમાં 27 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. જ્યારે 7 કામદારો ગૂમ થયા હતાં. જેથી ગૂમ થયેલા કામદારોના પરિવારજનો સવારથી કંપની બહાર પોતાના સ્વજનોની ખબર અંતર માટે રઝળતા રહ્યા હતાં. જ્યારે બુધવારે મોડી રાત્રે ભડથૂં થયેલા મૃતદેહ અને કંકાલને બહાર કાઢવામાં આવ્યાં હતાં.
સચિનની એથર કંપનીના બ્લાસ્ટની ઘટનામાં સાત લોકોના મોતનો મામલે જીપીસીબી દ્વારા કંપનીને છાવરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તે રીતે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જિજ્ઞાસા ઓઝાએ કહ્યું કે, એથર કંપનીમાં બનેલી ઘટનામાં કોઈ કારણ જાણી શકાયું નથી. જે ઘટના બની છે તેમાં જાનહાનિ અને માલહાની થઈ છે. ગતરોજથી જીપીસીબીની કંપનીમાં તપાસ ચાલી રહી છે. આજે વહેલી સવારથી ફરી તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન સાત લોકોના માનવ કંકાલ મળી આવ્યા છે. કોઈ ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.
કંપનીની ટેન્કમાં સોલ્વન્ટ નામનું કેમિકલ સ્ટોરેજ કરવામાં આવ્યું હતું. સોલ્વન્ટ કેમિકલ લીકેજ થવાના કારણે ઘટના બની છે.વેપર કલાઉડના કારણે કોઈ સ્પાર્ક અથવા સ્ટેટિક ચાર્જના સંપર્કમાં આવવાથી ફાયર થવાની સંભાવના છે. આ એક્સિડન્ટ કોઈ પ્લાન મુજબ નહિ પરંતુ અનપ્લાન પ્રાથમિક દ્રષ્ટિએ કંપનીની કોઈ બેદરકારી લાગતી નથી. કંપનીની અંદર ફાયર સેફટી ના તમામ સાધનો સજ્જ છે, જેના કારણે નુકસાન ઓછું થયું છે.
ટેટ્રા હાઇડ્રોજન ફ્યુરાની ટેન્કમાં 20 કે.એલ.ની ક્ષમતા છે,જેમાં 15 કે.એલ.સ્ટોરેજ હતું.સ્ટોરેજ ટેન્ક ના નીચેથી સોલ્વન્ટ કેમિકલ લીકેજ થવાના કારણે આ ઘટના બની છે.કંપનીમાં અંદર આવેલા અને બહાર ગયેલા કર્મચારીઓનો સર્વે કરતા સાત લોકો મિસિંગ હોવાનું બહાર આવ્યું હતું.જેના આધારે સાત લોકોના માનવ કંકાલ શોધી કાઢવામાં આવ્યા છે. અન્ય કોઈ જાનહાની ન થાય એ માટે કંપનીમાં તમામ પ્રોસેસ અટકાવી દેવામાં આવી છે. કંપનીનું ક્લીન અપ અને એન્વાયરમેન્ટ સુધારવું જરૂરી છે. અમારા તરફથી કોઈ ક્લોઝર્ટ નોટિસ આપવામાં આવી નથી .
એથર કેમિકલ કંપનીએ મૃતકોના પરિવારને આર્થિક સહાયની જાહેરાત કરી છે . જેમાં મૃતકોનાં પરિવારને ૫૦ લાખની તેમજ ઈજાગ્રસ્તોને ૨૫ લાખની સહાય આપશે .