- સિવિલ હોસ્પિટલમાં રિન્યૂ કરાવવાના પરમિટના ભાવમાં વધારો
- 12500 કરતાં વધુ લોકો ધરાવે છે લિકર પરમિટ
- હેલ્થ પરમિટના આધારે દારૂનું સેવન કરનાર લોકોની સંખ્યામાં સતત વધારો
સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં પરમિટનો દારુ નવા અને રિન્યૂ કરાવવાના ભાવોમાં વધારો થયો છે.નવી પરમિટના ભાવમાં રૂ. 15,000નો વધારો કરાયો છે. તેમજ શહેરમાં 12500 કરતાં વધુ લોકો લિકર પરમિટ ધરાવે છે. શહેરમાં છેલ્લા ચાર વર્ષમાં હેલ્થ પરમિટના આધારે દારૂનું સેવન કરવાની સંખ્યામાં સતત વધારો થયો છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, રાજ્યના ટોપના પાંચ શહેર જિલ્લામાં લિકર પરમિટની ધારકોની સંખ્યામાં ક્રમશઃ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સૌથી વધુ પરમિટ સાથે પ્રથમ ક્રમે અને ત્યારબાદ સુરત બીજા નંબરે છે. ત્યારે સુરત શહેર જિલ્લામાં 12500 કરતાં વધુ લોકો લિકર પરમિટ ધરાવે છે. સુરત શહેરમાં છેલ્લા ચાર વર્ષમાં હેલ્થ પરમિટના આધારે દારૂનું સેવન કરવાની સંખ્યામાં સતત વધારો થયો છે.
નાર્કોટિક્સ વિરોધી દળની માહિતી મુજબ નિયમ 64 હેઠળ આરોગ્ય પરમિટધારકોની કુલ સંખ્યા એટલે કે સ્વાસ્થ્ય કારણસર દારૂ પીવા માટેની પરવાનગી જાન્યુઆરી 2021 વર્ષમાં 31510 લોકો પાસે હતી જે જાન્યુઆરી 2022માં વધીને 38970 થઇ હતી. જાન્યુઆરી 2023માં આરોગ્ય પરમિટધારકની સંખ્યા 41953 પર પહોંચી હતી. હવે જાન્યુઆરી 2024 વર્ષમાં આ આંકડો 44002 પર પહોંચ્યો છે.
ત્યારે સુરત શહેરમાં લિકરની પરમિટના ભાવમાં ગત મહિને મળેલી સંકલનની બેઠકમાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ નવી લિકર પરમિટના જે રૂ. 10000 હતા તેમાં નવો ભાવ રૂ. 25000 અને પરમિટ રિન્યૂ કરવાનો જૂનો ભાવ રૂ. 5000 હતો જેમાં સીધો વધારો કરીને રૂ. 20000 કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં લિકર પરમિટના પરવાનો મેળવવામાં તોતિંગ વધારો ભારે પડશે. ભાવવધારાની આ રકમ નવી સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં જમા કરવામાં આવતી હોય છે.