- દસ પંદર દિવસમાં તમામ માર્કેટોમાં ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો
- શહેરમાં રોશનીથી ચમકતા સર્કલો અને બિલ્ડિંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા
સુરત શહેરમાં ચોતરફ દિવાળી પર્વની અતિ ભવ્ય ઉજવણી થઇ રહી છે. ઔદ્યોગિક નગરી સુરત તમામ ક્ષેત્રની અંદર ખૂબ જ સારી રીતે રોજગાર ધંધાઓ ધમધમી ઉઠ્યા છે. છેલ્લા દસ પંદર દિવસમાં સુરતની તમામ માર્કેટોમાં ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત શહેરને ચારેતરફથી શણગારી દેવામાં આવ્યું છે. શહેરમાં રોશનીથી ચમકતા સર્કલો અને બિલ્ડિંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દિવાળીનો ઝગમગાટ સુરત શહેરની અંદર સ્પષ્ટ દેખાઇ રહ્યો છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ઔદ્યોગિક નગરીની અંદર લોકો ખૂબ જ ઉત્સાહભેર દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. સુરત કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે શહેરભરની અંદર લાઈટિંગ કરવામાં આવી છે. શહેરના અલગ-અલગ બ્રિજ ઉપર, કેબલ સ્ટેઇડ બ્રિજ, પાલ બ્રિજ વગેરે તમામ બ્રિજ ઉપર રોશની કરવામાં આવી છે. રીંગ રોડ વિસ્તારની જે ખાનગી ઇમારતો છે તેમજ ટેક્સટાઇલ માર્કેટો, વરાછા વિસ્તાર, પિપલોદ વિસ્તાર, સિટીલાઇટ જેવા પોશ વિસ્તારમાં ભવ્ય રોશની કરવામાં આવી છે. અલગ-અલગ શોપિંગ મોલ, શોપિંગ કોમ્પ્લેક્ષમાં પણ આકર્ષક રોશની જોવા મળી રહી છે. સુરત શહેર ચારે તરફથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યા હોય તેવા દૃશ્યો દેખાઈ રહ્યા છે.
દર વર્ષે દિવાળીમાં સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ સરકારી કચેરીઓ, બ્રિજ, ટ્રાફિક સર્કલ, ફાયર સ્ટેશન સહિત કોમ્યુનિટી હોલ ની તમામ મિલકતો પર રોશની નો શણગાર કરવામાં આવ્યો છે. આ વખતે પણ સુરત મહાનગરપાલિકા ત્રણ નવેમ્બર સુધી બજારમાં રોશની નો શૃંગાર કર્યો છે જેથી શહેર ઝગમગી ઉઠ્યું છે. પાલિકાની મુખ્ય કચેરી સહિત તમામ સરકારી મિલકતો પર ઝગઝગાટ નવું વર્ષ અને ભાઈબીજ અવસર સુધી રહેશે. આ માટે સુરત મહાનગરપાલિકા 49 લાખ રૂપિયાના ખર્ચે ડેકોરેશન કરવામાં આવ્યું છે.