બારડોલીમાં સુરત જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ ગરીબ કલ્યાણ મેળાઓ થકી એક એક જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી રાજ્ય સરકાર પહોંચી છે. ત્યારે સુરતના કુલ 19,384 લાભાર્થીઓને રૂ.46 કરોડની સાધનસહાય અર્પણ કરવાનો અભિગમ રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય ગરીબ, જરૂરિયાતમંદ લાભાર્થીઓને એક જ સ્થળે હાથોહાથ આપવાના આશયથી રાજ્યભરમાં આયોજિત ગરીબ કલ્યાણ મેળાના ૧૪મા તબક્કા અંતર્ગત સુરત જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો સરદાર પટેલ ટાઉન હોલ, બારડોલી ખાતે યોજાયો હતો.

જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, ધારાસભ્ય ઈશ્વર પરમાર અને મોહન ઢોડીયા તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું હાથોહાથ વિતરણ કરાયું હતું. ગરીબ કલ્યાણ મેળા પહેલા, મેળામાં અને ત્યારબાદ કુલ 19,384 લાભાર્થીઓને રૂ.46  કરોડની સાધનસહાય અર્પણ કરવાના અભિગમ સાથે જુદા જુદા વિભાગો દ્વારા માનવ કલ્યાણ યોજના, માનવ ગરિમા, સ્વસહાય જુથ સંબંધિત યોજનાઓ, આવાસ, વ્હાલી દિકરી, દિવ્યાંગ લગ્ન સહાય, કૃષિ અને પશુપાલનની યોજનાઓ, કુંવરબાઈ મામેરા, સ્વસહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ, ગંગાસ્વરૂપા અને વૃદ્ધ સહાય પેન્શન, સ્વામિત્વ, વિદેશ અભ્યાસ લોન, આયુષ્માન કાર્ડ, નિ:શુલ્ક બસ પાસ, ખેડૂતોને ઓજાર સહાય, ખેતમજૂરોને સાધનસહાય સહિતની અનેકવિધ યોજનાના લાભો અપાયા હતા.

આ વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બનાસકાંઠામાં આયોજિત રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં સ્વચ્છતા હી સેવા અભિયાન, બારડોલી તાલુકાના બાબેન ગામની સ્વચ્છતા, ગ્રામીણ કૌશલ્ય વિકાસ તેમજ વોટરશેડ યોજનાની શોર્ટ ફિલ્મોનું નિદર્શન ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ સ્વચ્છતા અને શ્રમદાનના શપથગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે તા. પંચાયત પ્રમુખ જમુના રાઠોડ, નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ, જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પ્રાંત અધિકારી જિજ્ઞા પરમાર, અગ્રણીઓ જિગર નાયક, ભારતી રાઠોડ, રોશન, જિ. પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનો, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.