- બે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં વોન્ટેડ આરોપીઓની ધરપકડ
- બેંક એકાઉન્ટ ભાડે આપીને કર્યો ફ્રોડ
- 6 લાખ અને 15 લાખ રૂપિયાના બે ફ્રોડ કેસના આરોપીની ધરપકડ
સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલે 2024માં નોંધાયેલા બે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. આ ગુનામાં આરોપીઓએ પોતાનાં બેંક એકાઉન્ટ ભાડે આપીને દેશભરમાં સાઇબર ફ્રોડ ગેંગને સહકાર આપ્યો હતો. આ બેંક એકાઉન્ટનો ઉપયોગ 65 જેટલા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ માટે થયો હોવાનો ખુલાસો થયો છે.
સુરત સાયબર ક્રાઇમના એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે 2024માં નોંધાયેલા બે મોટા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસોમાં લોકો સાથે 6 લાખ અને 15 લાખ રૂપિયાના ફ્રોડ થયા હતા. 6 લાખના કેસમાં અગાઉ ચાર આરોપીઓની ધરપકડ થઇ હતી, પણ પવન ગુપ્તાનું નામ તપાસમાં બહાર આવતાં તે વોન્ટેડ હતો. અન્ય 15 લાખના કેસમાં પણ તે સંડોવાયેલો હતો, પરંતુ ઝડપાઈ શક્યો ન હતો.
પવન ગુપ્તાની ધરપકડ
આરોપી પવન દ્વારકાદાસ ગુપ્તા (ઉ.વ. 39) મૂળ ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લાના ચનડૌશી ગામનો રહેવાસી છે અને સુરતના ડીંડોલી વિસ્તારમાં રહે છે. પેશાથી તે કાપડ દલાલ છે, પરંતુ સાથે સાથે પૈસા કમાવવા માટે તેણે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવાનું કૌભાંડ શરૂ કર્યું હતું. 6 લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં પવન ગુપ્તાએ પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું, જે બાદમાં એનસીસીઆરપી પોર્ટલની તપાસમાં ખુલ્યું કે તે એકાઉન્ટનો ઉપયોગ 55 જુદા-જુદા ફ્રોડ માટે થયો હતો.
પવન ગુપ્તાએ પોતાનું બેંક એકાઉન્ટ માત્ર એકજ વ્યક્તિને નહીં, પરંતુ સુરતના અન્ય એક શખ્સ, જીગ્નેશ આહલપરાને પણ ભાડે આપ્યું હતું. તપાસમાં આહલપરાના બેંક એકાઉન્ટ પર પણ 10 અલગ-અલગ ફ્રોડના કેસ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
15 લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં પણ પવન ગુપ્તા શામેલ
બીજા કેસમાં, જે 15 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો હતો, તેમાં પણ પવન ગુપ્તાએ પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું.આ કેસમાં વિનયકુમાર અનિલ વિશ્વકર્મા (ઉ.વ. 33), જે ઉત્તરપ્રદેશના જોનપુરનો રહેવાસી છે અને સુરતના અલથાણ વિસ્તારમાં રહે છે, તે મુખ્ય આરોપી છે. વિનયકુમારે પવન ગુપ્તાનું બેંક એકાઉન્ટ ભાડે લીધું હતું અને તે પછી મુંબઇમાં રહેલા અમિત નામના ઇસમને ભાડે આપ્યું હતું.
દેશભરમાં બેંક એકાઉન્ટનો ઉપયોગ સાઇબર ફ્રોડ માટે થયો
આરોપીઓએ રોકાણકારોને શેરમાર્કેટમાં નફો કરાવવાની લાલચ આપી છેતર્યા હતા. તેમની ગેંગ લોકો સાથે સંપર્ક સાધી એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી, રજીસ્ટ્રેશન કરાવતું અને તેમનો ડેટા એકત્ર કરી છેતરતી હતી.પવન ગુપ્તા અને તેના સાગરિતો દ્વારા ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટ પર કુલ 65 જેટલા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ નોંધાયા છે, જેમાં 55 કેસ તો માત્ર પવનના બેંક એકાઉન્ટ પર છે.
આરોપીઓ સામે કાર્યવાહી અને સાવચેત રહેવા પોલીસની અપીલ
સુરત સાયબર ક્રાઇમ સેલે પવન ગુપ્તા અને વિનયકુમાર વિશ્વકર્માને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યું છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ આ મામલે અન્ય આરોપીઓની સંડોવણી પણ તપાસી રહી છે.