લોકોના મનમાં પોલીસની છબી કંઇક અલગ હોય છે પણ સુરત ક્રાઇમ બ્રાંચના આ લાઇવ ઓપરેશનને જોઇને તમારા મનમાં પોલીસ ની છબી બદલાઈ જશે.ત્યારે સુરત ક્રાઇમ બ્રાંચનું ફિલ્મી ઢબે એક લાઇવ ઓપરેશન સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનામાં બારડોલી નજીકથી ચીખલીગર ગેંગના 3 સભ્યોની સુરત ક્રાઇમ બ્રાંચે ફિલ્મી ઢબે ધરપકડ કરી છે. શહેરના દસ્તાન ફાટકના રોડ પર બાડાબંધી કરીને પોલીસે ગેંગના 3 સભ્યોને દબોચી લીધા છે. ચીખલીગર ગેંગના સભ્યોની ધરપકડ કરવા ક્રાઇમ બ્રાંચે JCB વચ્ચે મૂકીને તેઓની ગાડી પર ડંડાવાળી શરૂ કરી દીધી હતી. જો કે, ક્રાઇમ બ્રાંચના આ ઓપરેશનના લાઇવ વીડિયો પણ સામે આવ્યા છે.
છેલ્લાં ઘણા સમયથી આ ચીખલીગર ગેંગનો આતંક હતો. હતો ત્યારે ક્રાઇમ બ્રાંચને આ એક મોટી સફળતા હાથ લાગી છે. મહત્વનું છે કે, શહેરના બારડોલીના દસ્તાન ફાટક પાસેથી ચીખલીગર ગેંગના સભ્યો ઇકો લઇને જઇ રહ્યાં હતા એ દરમ્યાન ફિલ્મી ઢબે ક્રાઇમ બ્રાંચની ટીમે કારને રોકી હતી. કાર પર ડંડા અને ધોકાવાળી કરીને તેમજ ચીખલીગર ગેંગના સભ્યો ફરાર ના થઇ જાય એ માટે કારને રોકવા વચ્ચોવચ બુલડોઝર પણ મૂકવામાં આવ્યું હતું.
આ ઘટનામાં ક્રાઇમ બ્રાંચની ટીમ અને ચીખલીગર ગેંગ વચ્ચેના ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જો કે, પોલીસને જોતાની સાથે જ ગેંગના સભ્યોએ કારને રિવર્સ લઇને ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ક્રાઇમ બ્રાંચની ટીમે પણ સતર્કતા દાખવી કાર પર લાકડીઓ અને ડંડાવાળી કરી ચીખલીગર ગેંગના 3 સભ્યોને દબોચી લીધા હતાં. છેલ્લાં કેટલાંય સમયથી ચીખલીગર ગેંગના સભ્યોને પોલીસ શોધી રહી હતી. આથી, જ્યારે ક્રાઇમ બ્રાંચને એવી બાતમી મળી કે, બારડોલીના દસ્તાન ફાટક નજીક ચીખલીગર ગેંગના સભ્યો દસ્તાન ફાટક પાસેથી પસાર થવાના છે. આથી, વહેલી સવારમાં જ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા આ આખેઆખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાંચની ટીમે અગાઉથી જ રોડની વચ્ચોવચ્ચ વાહનો અને બુલડોઝર મુકી દીધા હતા. જેના લીધે તેઓ હાથમાંથી નાસી ના છૂટે.
ક્રાઇમ બ્રાંચની આખી ટીમ હોવા છતાં, આ ગેંગના સભ્યોએ ઇકો કારમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતે ક્રાઇમ બ્રાંચે બુલડોઝર દ્વારા તેઓની કારને અટકાવી તેઓની ધરપકડ કરી લીધી છે. હાલમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા આ શખ્સોને સુરત ક્રાઇમ બ્રાંચે લઇ જઇને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. અંદાજિત 20થી વધુ ગુનાઓને તેઓ અંજામ આપી ચૂક્યાં છે. અગાઉ પણ પોલીસે આ ગેંગના સભ્યોને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસના અગાઉના પ્રયાસ નિષ્ફળ નિવડ્યા હતાં.