સુરત : ડુમ્મસ રોડ પર આવેલી સાસ્કમા ઇંગ્લીશ મિડીયમ કોમર્સ કોલેજમાં પ્રોફેસરે એબીવીપીનો ખેસ પહેરીને વિદ્યાર્થીઓને ભણાવતા વિવાદ થયો છે. કોલેજમાં યોજાયેલા એક કાર્યક્રમમાં અધ્યાપક વર્ગખંડમાં એબીવીપીનો ખેસ પહેરીને ભણાવતા હોવાનો ફોટો વાઇ૨લ થયો હતો. જેને આધારે એનએસયુઆઇએ કોલેજમાં સૂત્રોચ્ચાર અને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
બીજીબાજુએ કોઇ પાર્ટીનું પ્રમોશન કરવાનો ઉદ્દેશ ન હોવાનો સૂર પ્રોફેસરે આલાપ્યો હતો. એનએસયુઆઇના કાર્યકરો, વિદ્યાર્થીનેતાઓ દ્વારા સાસ્કમા કોલેજના આચાર્ય, સંચાલક મંડળને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
આવેદનપત્રમાં થયેલા આક્ષેપ મુજબ, કોલેજના ભૂતપૂર્વ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને હાલમાં બી.એ. વિષયના પ્રોફેસર તરીકે કાર્યરત ચિંતન મોદી દ્વારા કોલેજની અંદર વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભેગા કરીને એબીવીપીનો ખેસ પહેરી અભ્યાસ કરાવી રહ્યા છે. આ ગંભીર બાબત છે. આ એક પ્રકારે રાજકીય પક્ષનો પ્રચાર ગણી શકાય અને તે મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરવી જોઇએ.
બીજીબાજુએ ચિંતન મોદીએ જણાવ્યુ હતુ કે, બાબાસાહેબ નિર્વાણ દિવસ નિમિત્તે કોલેજમાં બાબાસાહેબ આંબેડકરના જીવન પર એક ભાષણ આપ્યુ હતુ, જે એબીવીપી દ્વારા આયોજિત કાર્યક્રમનો એક ભાગ હતો. કાર્યક્રમમાં મારોઉદ્દેશફક્ત બાબાસાહેબ આંબેડકરના જીવન પર પ્રકાશ પાડવાનો હતો, ન કે કોઇ પાર્ટીનું પ્રમોશન કરવાનો. આ સંજોગોવસાત થયેલી ભૂલથી કોઇ વિદ્યાર્થીની લાગણી દુભાઈ હોય તો ભવિષ્યમાં આમ ન થાય એનું ખાસ ધ્યાન રાખીશું. આ સંદર્ભે આચાર્યને ખુલાસો પણ આપી દીધો છે.