- સાત લોકો દાઝ્યા, 1ની હાલત ગંભીર
- કેટરર્સ માટે જમવાનું બનાવતા સમયે બની હતી ઘટના
સુરતના ફૂલપાડા વિસ્તારમાં ક્રિષ્ના કોમ્પલેક્ષના બીજા માળે એક 15 બાય 15 ની રૂમમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા સાત યુવાનો દાઝી ગયા હતા. આ તમામને તાત્કાલિક સુમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, બીજો માળ ક્રિષ્ના કોમ્પલેક્ષ ફૂલપાડા, એ કે રોડ ખાતે એક 15 બાય 15ની રૂમમાં 10 જેટલા યુવાનો દ્વારા કેટરર્સ માટે જમવાનું બનાવવામાં આવી રહ્યું હતું. બે ચૂલા પર આ કામગીરી કરવામાં આવી રહી હતી અને આ રૂમમાં ત્રણ જેટલા ગેસ સિલિન્ડર હતા. જે પૈકી એક ગેસ સિલિન્ડર લીકેજ હતો. દરમિયાન કોઈ દ્વારા લાઇટર થી ગેસ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા બ્લાસ્ટ થઈ ગયો હતો.
ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટ થવાના કારણે લાઇટરથી ચૂલો સળગાવનાર યુવાન વધુ દાઝી ગયો હતો. જ્યારે અન્ય છ જેટલા યુવાનો પણ આ આગના પગલે દાજી ગયા હતા. કુલ સાત જેટલા યુવાનો દાઝી ગયા હતા. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે રૂમના દરવાજા અને બારી પણ તૂટી ગયા હતા. ઘટના અંગે ફાયર વિભાગને મોદી જાણ કરવામાં આવી હતી. જોકે ફાયર વિભાગે પહોંચીને તમામ યુવાનોને હોસ્પિટલ ખસેડ્યા હતા.
સ્મિમેર હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે તમામ સાત યુવાનોને કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ લાઇટર થી ચૂલો ચાલુ કરનાર યુવાન ની હાલત ખૂબ જ ગંભીર છે. અન્ય છ જેટલા યુવાનો હાથ પગ સહિતના દાઝી ગયા છે.