સુરતમાં સતત વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે. રોજબરોજ વ્યાજખોરોના ચુંગાલમાં લોકો ફસાયા હોવાના કિસ્સાઓ સામે આવતા હોઈ છે. ત્યારે ફરી એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વ્યાજખોરોના ચુંગાલમાં આ વખતે ભાજપના મહિલા કોર્પોરેટર પણ ફસાયા હોવાનું સામે આવ્યું હતું. તેઓએ પુણા પોલીસ મથકમાં સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાવતા બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
ત્યારે બનાવ અંગે વાત કરવામાં આવે તો, સુરતમાં વોર્ડ નંબર 18ના મહિલા કોર્પોરેટર દર્શીની કોઠીયા એ 2017માં એક સ્ટાઈલમાં વ્યવસાય કરવા માટે સચિન ઓમ પ્રકાશ જૈન પાસેથી 25 લાખ રૂપિયા ત્રણ પ્રકારના વ્યાજ દરે લીધા હતા. આ 25 લાખમાં વ્યાજ પેઠે દર મહિને દર્શની કોઠીયા 75,000 જેટલું વ્યાજ ચૂકવતા હતા. જે અંતર્ગત વર્ષ 2023 સુધી કોર્પોરેટર દર્શની કોઠીયાએ વ્યાજ ચૂકવ્યું હતું. જોકે 2023 બાદથી દર્શીની કોઠીયા એ વ્યાજ ચૂકવવાનું બંધ કરી દીધું હતું.
ત્યારબાદ સચિન જૈન દ્વારા મહિલા કોર્પોરેટર પાસે પઠાણી ઉઘરાણી અને ધમકી આપવાનું શરૂ કર્યું હતું એટલું જ નહીં અત્યાર સુધી વ્યાજ ચૂકવ્યું હતું તેમ છતાં સચિન જૈન દ્વારા બળજબરી પૂર્વક સહી કરાવેલા ચેકો પડાવી લેવા માં આવ્યા હોવાના આક્ષેપ મહિલા કોર્પોરેટર દર્શીની કોઠીયા એ વ્યાજખોર સચિન જૈન સામે કર્યા હતા .આ સાથે જ દર્શીની કોઠીયા એ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, પરિવાર અને કારકિર્દીને નુકસાન પહોંચાડવાની સાથે સાથે જૈન દ્વારા સમાજમાં પણ બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ 25 લાખની ઉઘરાણી સામે વારંવાર ધાક ધમકીઓ આપવામાં આવતી હતી. જેનાથી આખું પરિવાર ડિસ્ટર્બ થઈ રહ્યું છે જેથી મહિલા કોર્પોરેટર દર્શીની કોઠીયા એ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ભાવેશ ઉપાધ્યાય