- 1 થી 7 જૂન સુધી સુવાલી અને ડુમસના દરિયા કિનારા સહેલાણીઓ માટે બંધ
- હવામાન ખાતાની આગાહીને લઈને ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા
- જાહેરનામા ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કરવામાં આવશે કાર્યવાહી
સુરત ન્યુઝ : હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને લઈને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં લઈને સુરત શહેરના બે બીચ સુવાલી અને ડુમ્મસ લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા 1થી 7 જૂન સુધી સુવાલી અને ડુમસના દરિયા કિનારાને સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરત શહેર પોલીસ દ્વારા માછીમારોને વાવાઝોડાની આગાહીને લઈને દરિયો ન ખેડવા જવાની અપીલ પણ કરી છે.
ભારતીય હવામાન ખાતાની આગાહીને લઈને ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફૂંકાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તેથી લોકો અને પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામા સુરતના ડુમ્મસ બીચ તેમજ સુવાલીના દરિયા કિનારા પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામનો અમલ 1 જુનથી 7 જુન સુધી કરવામાં આવશે. તેથી સાત દિવસ સુધી સુરતનો ડુમ્મસ અને સુવાલીનો દરિયા કિનારો લોકો માટે બંધ રાખવામાં આવ્યો છે.
આ ઉપરાંત જાહેરનામાના પાલનને લઈને દરિયા કિનારાના વિસ્તારમાં જે તે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા રાઉન્ડ ઓફ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરીને દરિયા કિનારા પર જશે તો તેની સામે જાહેરનામા ભાંગ બદલ કાર્યવાહી પણ કરવામાં આવશે. મહત્વની વાત છે કે છેલ્લા બેથી ચાર દિવસથી સુરત શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને પવનની ગતિમાં પણ વધારો થયો છે તેથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઇ અને વેકેશનના માહોલને જોતા વાવાઝોડાની પરિસ્થિતિમાં વધારે લોકોને ભીડ દરિયા કિનારાના વિસ્તારમાં એકઠી ન થાય તેમ જ દરિયા કિનારા પર ફરવા ન જાય તેથી લોકોના હિતમાં સુરત શહેર પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સાથે જ સુરત શહેર પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, જ્યારે પણ ભારે પવન ફૂંકાય ત્યારે કોઈ પણ જૂના વૃક્ષ કે પછી જોખમી સ્ટ્રક્ચરની નીચે લોકોએ ઊભા ન રહેવું જોઈએ. આ ઉપરાંત ભારે પવન ફૂંકાય તે સમયે બને ત્યાં સુધી કામ ન હોય તો ઘર બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
ભાવેશ ઉપાધ્યાય