મ્યુનિ.ની BRTSમાં એક લાખ મુસાફર થતાં ઉત્સાહ વધ્યો
સુરત મહાગનરપાલિકાની સીટી અને બીઆરટીએસ બસમાં મુસાફરોની સંખ્યામાં વધારો કરવા માટે મ્યુનિ. તંત્રએ ખાનગી એજન્સીની જેમ હકારાત્મક અભિગમ હાથ ધર્યો છે. બીબાઢાળ રૃટ નક્કી કરવાના બદલે મુસાફરોની સુવિધામાં વધારો થાય તે રીતે રૃટ બનાવવાની કામગીરી કરી છે.
મ્યુનિ. તંત્રની સીટી અને બીઆરટીએસ બસનો વધુને વધુ લોકો ઉપયોગ કરે તે માટે હીરા અને કાપડના કારખાનામાં કામ કરતાં કારીગરોને અનુકુળ રૃટ બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
કારીગરોના ડેટના આધારે મ્યુનિ. તંત્ર બસ રૃટ બનાવીને મુસાફરોની સંખ્યામાં વધારો કરવા સાથે ખાનગી વાહનોની સંખ્યા ઓછી કરવાનો પ્રયાસ કરી રહી છે.
સુરતમાં અત્યાર સુધી જાહેર પરિવહનની સુવિધા નહીવત હોવાથી રસ્તા પર રીક્ષા અને ખાનગી વાહનોની સંખ્યામાં તોતીંગ વધારો થયો હતો. ખાનગી વાહનો વધતાં શહેરમાં ટ્રાફિક અને પર્યાવરણની સમસ્યા વિકરાળ બની છે.
હવે મ્યુનિ. તંત્રએ બીઆરટીએસ અને સીટી બસ સેવા શરૃ કરી તેમાં સતત સુધારો કરતી હોવાથી શહેરમાં નવી રીક્ષાની સંખ્યામાં ઘટાડો થયો છે. હવે મ્યુનિ. તંત્ર વધુને વધુ લોકો બસનો ઉપયોગ કરે તે માટે ખાનગી એજન્સીની જેમ કામગીરી કરી રહી છે ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરતમાં હીરા અને કાપડના કારખાનામાં સૌથી વધુ લોકો કામ કરી રહ્યાં છે.
આ કારીગરો ઘરેથી નિકળીને કારખાના સુધી પહોંચવા માટે ખાનગી વાહનોનો ઉપયોગ કરી રહ્યાં છે. દિવસ દરમિયાન તેમના વાહનો કામના સ્થળ નજીક પડી રહેતાં ટ્રાફિકની પણ સમ્સયા થાય છે.
તેના કારણે મ્યુનિ. તંત્રએ મોટી હીરાના ફેક્ટરી અને કાપડના કારખાનાવાળા સાથે બેઠક કરી હતી. મ્યુનિ. તંત્રએ આ કારખાના પાસેથી કામદારોની વિગત મેળવી છે.
કામદારોના નિવાસ સ્થાન અને કારખાના વચ્ચેના રૃટમાં કામ પર જવાના અને છુટવાના સમયે બસ સેવા શરૃ કરવા માટે આયોજન કર્યું છે.
મ્યુનિ.ની આ યોજનામાં સફળતા મળે તો કારીગરોના રસ્તા પર દોડતા વાહનોમાં ઘટાડો થશે. આમ થવાથી શહેરમાં ટ્રાફિક અને પ્રદુષણની માત્રા તો ઘટશે સાથે સાથે મ્યુનિ.ની આવકમાં પણ વધારો થશે તે પણ નક્કી છે.