- મોટાપાયે કાપડનો માલ ખરીધી માલનું પેમેન્ટ ન આપનાર આરોપીની ધરપકડ
- માલ ખરીદ્યા બાદ 15.38 લાખ રૂપિયાની કરી ઠગાઈ
- તાત્કાલિક કાર્યવાહી કરીને એક દાખલો બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો
સુરતના વેપારીઓ સાથે દલાલ મારફતે ઓળખાણ કરી મોટાપાયે કાપડ઼ નો માલ ખરીદ્યા બાદ બજારમાં સસ્તા ભાવે રોકડામાં વેચી નાંખી વીવર્સોને તેમના માલનું પેમેન્ટ નહી આપી રાતોરાત દુકાનને તાળા મારી ઉઠમણું કરનાર સારોલીની શ્રી કુબેરજી વર્લ્ડ ટેક્ષટાઈલ માર્કેટના ચાર વેપારીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ અડાજણના વીવર્સ પાસેથી ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ 15.38 લાખનો ચુનો ચોપડ્યો હતો. જેથી પોલીસે ચારેય ઠગબાજની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સારોલી પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અડાજણ મધુવન સર્કલ પાસે કેપીટસ સ્ટેટસમાં સી- 302માં રહેતા ધર્મેન્દ્ર ચુનીભાઈ ગોડલીયા (ઉ.વ.40) પાસેથી કાપડ દલાલ હનુમાનરામ ગંગારામજી ચૌધરી (શ્રીકુબેરજી વર્લ્ડ ટેક્ષટાઈલ માર્કેટ) (રહે, સ્વસ્તિક રેસીડેન્સી પુણાગામ), વિનોદ જૈન(કનક ક્રિએશન, શ્રીકુબેરજી વર્લ્ડ ટેક્ષટાઈલ માર્કેટ સારોલી) જયેશ નથુરામ જૈન અને મહાવીર શાંતિલાલ મહેતા (અરિહત સિલ્ક. શ્રીકુબેરજી વર્લ્ડ ટેક્ષટાઈલ માર્કેટ સારોલી)એ પોતે પ્રષ્ઠિત વેપારી હોવાની ઓળખ આપી શરુઆતમાં તેમની પાસેથી ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો. અને તેનું પેમેન્ટ સમયસર ચુકવી આપી વિશ્વાસમાં લીધો હતો.
આ ઉપરાંત હનુમાનરામ મારફતે વિનોદએ ગત તા 27 જુલાઈ થી 2 સપ્ટેમ્બર સુધીમાં 9,05,058 નો અને મહાવીર મહેતાએ ત ઓગસ્ટના રોજ 6,33,024નો મળી કુલ રૂપિયા 15,38,082નો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો. નક્કી કરેલ સમય મર્યાદામાં આરોપીઓ માલનું પેમેન્ટ આપવામાં ગલ્લા તલ્લા કર્યા બાદ પેમેન્ટ આપવા માટે હાથ ખંખેરી લીધા હતા. ત્યારે ફરિયાદી સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ગતરોજ ફરિયાદ નોધાવતા પીઆઈ એસ.આર.વેકરીયાએ અલગ અલગ ટીમો બનાવી ચારેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.