- બેંકના એટીએમ તોડીને પૈસા ચોરી કરવાની કોશિશ કરતા ઇસમો ઝડપાયા
- ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પાડ્યા
.સુરત ન્યૂઝ : સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એટીએમ તોડીને બે ઈસમો દ્વારા પૈસાની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઉધના બસ સ્ટેશન પાસે આવેલા મુગત ડાઇંગ શોપિંગ સેન્ટરની દુકાન નંબર 2માં એક્સિસ બેન્કનું એટીએમ આવેલું છે. આ બેંકના એટીએમને બે ઈસમો દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એટીએમ તોડીને તેમાંથી પૈસાની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે બે ઇસમો એટીએમમાં ઘૂસે છે અને ત્યારબાદ એકબીજાની મદદગારીથી એટીએમમાં તોડફોડ કરી તેને નુકસાન પહોંચાડે છે. ત્યારબાદ એટીએમમાંથી પૈસા ન નીકળતા બંને ઈસમો ભાગી જાય છે. આ ઘટનાને લઈને ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. ત્યારે ઉધના પોલીસની ટીમે બાતમીના આધારે એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનારા શોહેબ ઉર્ફે સોએબ કાદર શેખ અને હુસેન મોમીનની ધરપકડ કરી છે અને આ બંને ઈસમો પાસેથી લોખંડની છીણી એક સ્ક્રુ ડ્રાઇવર તેમજ 40000ની કિંમતનું એક મોટરસાયકલ જપ્ત કરવામાં આવ્યું છે. તો આરોપીની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું હતું કે, સોહેબ સામે અગાઉ પણ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યો છે આ બંને આરોપીની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
ભાવેશ ઉપાધ્યાય