સુરત સમાચાર
સુરતના અમરોલીની અંજની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના વીવર્સે તમામ કારખાના આજે એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. કોસાડમાં આવેલી અંજની ઈન્ડસ્ટ્રીમાં વીવર્સની મિટીંગ મળી હતી. જેમાં સર્વાનુમત્તે વીવર્સે શુક્રવારે 24 કલાક માટે તમામ 800 કારખાના બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. વેપારીઓ બંધમાં જોડાયા હતાં. વેપારીઓએ હથિયારોના પરવાના મેળવવા માગ કરી હતી.
મીટીંગમાં કોસાડમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝના તમામ વિવર્સ પોતાની નૈતિક જવાબદારી સમજી હાજર રહ્યા અને એક જ સુરમાં સામૂહિક નિર્ણય લઇ અને ભવિષ્યની તમામ બાબતો ધ્યાને રાખી ઇન્ડસ્ટ્રીઝમાં થતી ઘટનાઓ સામે કંઇ પણ કરવા તૈયારીની ચર્ચાઓ થઇ હતી. આ સાથે કેટલીક માંગો ગૃહ વિભાગ સમક્ષ મુકવા નક્કી કરાયું હતું.
વીવર અનિલ ડોંડા પર થયેલા હુમલાના વિરોધમાં સ્વેચ્છિક બંધનું એલાનમાં તમામ કારખાનેદારો જોડાયા હતાં. અંજની ઈન્ડસ્ટ્રીના યુવાન વીવર અનિલ ડોંડા પર બે હુમલાખોરોએ કારખાનામાં ઘુસી છરીથી હુમલો કરી લૂંટ ચલાવી હતી. આ ઘટનાના વિરોધમાં આજે અંજની ઈન્ડસ્ટ્રીના વીવર્સ ભેગા થયા હતા અને અનિલ ડોંડા ઉપર હુમલો કરનાર આરોપીઓને ઇન્ડસ્ટ્રીઝમાં જાહેર સરઘસ કાઢવામાં આવે અને કડક સજા થાય તેવી માંગણી કરી હતી. આ ઉપરાંત ત્રિપલ મર્ડરના આરોપીને તાત્કાલિક ફાંસીની સજાની સુનાવણી થાય અને ઇન્ડસ્ટ્રીઝના તમામ માલિકોને હથિયારનું લાયસન્સ આપવામાં આવે તેવી માંગ કરી હતી.