ભાવેશ ઉપાધ્યાય, સુરત
ગુજરાતનું સુરત શહેર આમ તો ડાયમંડ સિટી તરીકે ઓળખાતું હતું પરંતુ સુરતમાં વધતાં જતાં ક્રાઇમને લીધે તેને ક્રાઈમ સિટી તરીકે લોકો ઓળખવા લાગ્યા છે. ત્યારે ગઈ કાલે રાત્રે સુરતના કતારગામ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે. આ ઘટના કંટેશ્વર સોસાયટીની બાજુમાં ભવાની એપાર્ટમેન્ટ બની હતી.
ભવાની એપાર્ટમેન્ટમાં બીજા માળ પર રહેતા દંપતી વચ્ચે રાત્રિના સમયે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. ઝઘડામાં રોષે ભરાયેલા પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થઈ હોવાના કારણે તેમને સમગ્ર ઘટનાની જાણ પોલીસ અને 108ને કરી હતી. તેથી કતારગામ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસે ઇજાગ્રસ્ત મહિલાને 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
ઈજાગ્રસ્ત મહિલાનું નામ ટીના હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના કહેવા અનુસાર પરિવાર છેલ્લા 1 વર્ષ કરતાં વધારે સમયથી અહીંયા રહેતો હતો અને પરિવારમાં ચાર સભ્યો હતા. ઈજાગ્રસ્ત મહિલા 11 વર્ષના દીકરાને 15 વર્ષની દીકરીની માતા હોવાનું સ્થાનિકો કરી રહ્યા છે.