Surat : નવરાત્રિના આયોજનને લઈને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે સુરત શહેર મીની ભારત કહેવાય છે અને નવરાત્રિના 9 દિવસ માતાજીની આરાધના કરવામાં આવશે. ત્યારે આ બાબતે પોલીસ દ્વારા પણ તમામ તૈયારી પૂરી કરી દેવામાં આવી છે. 4000 હોમગાર્ડ અને 250 મહિલાની શી ટિમ સતત ગ્રાઉન્ડ પર કામગીરી કરશે. આ ઉપરાંત 6 સ્ટેટ રિઝર્વ ફોર્સની ટીમને પણ ડિપ્લોય કરવામાં આવશે.

તેમજ તેમને વધુમાં જણાવ્યું હતું કે, આયોજકોએ સમયસર NOC કે અન્ય મંજૂરી મેળવી છે કે નહીં અને આ તમામ બાબતોની ખરાય માટે આયોજકો સાથે એક બેઠક પણ યોજવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આયોજકોએ પૂરતી વ્યવસ્થા કરવી પડશે. DJ સાઉન્ડ દ્વારા ગરબાનું આયોજન જ્યાં થયું હશે ત્યાં આયોજકો રાત્રે 12 વાગ્યા સુધી ગરબા રમાડી શકશે. આ ઉપરાંત લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને ડોમથી જનરેટર દૂર રાખવા પડશે. તેમજ જનરેટરમાં ઉપયોગમાં લેવામાં આવતું પેટ્રોલ કે ડીઝલનો સ્ટોર કરી શકાશે નહીં. આ સાથે જ તમામ ડોમને CCTV કેમેરાથી સજ્જ રાખવામાં આવશે અને મહિલાઓ માટે ચેકિંગની વ્યવસ્થા અલગ રાખવી પડશે.

સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા ગરબા આયોજકોને ટકોર કરવામાં આવી છે કે, સિક્યુરિટી ગાર્ડ તરીકે જે પણ વ્યક્તિને કામગીરી સોંપવામાં આવે તે વ્યક્તિનો ગુનાહિત ઇતિહાસ ન હોવો જોઈએ અને આ માટે ગરબા આયોજકોએ સિક્યુરિટી ફરજ બજાવતા તમામ લોકોનું લીસ્ટ પોલીસને આપવું પડશે તેમજ પોલીસ આ બાબતની ખરાઈ કરશે. આ ઉપરાંત અવાવરું જગ્યા પર નવરાત્રીના આયોજન નજીક લાઇટિંગની વ્યવસ્થા આયોજકોએ કરવાની રહેશે અને અન્ય જગ્યા પર પોલીસ મહાનગરપાલિકાની ટીમને સાથે રાખીને લાઇટિંગની વ્યવસ્થા કરશે.

સુરત પોલીસે જણાવ્યું કે ગરબા રમવા આવતા ખેલૈયાઓની સુરક્ષા પર વધારે ધ્યાન આપવાનું રહેશે. તો બીજી તરફ હિંદુ સંગઠનોના જણાવ્યા અનુસાર ડોમ અને તેની આસપાસ માદક પદાર્થનું વેચાણ ન થાય એટલા માટે પોલીસ દ્વારા પણ આ તમામ બાબતો પર સતત નજર રાખવામાં આવશે.

ડોમની અંદર લોકો કાઉન્ટ કરી શકાય તે પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તેથી કેપેસિટી કરતાં વધારે લોકો જો ડોમમાં એકઠા થશે તો આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ગરબા આયોજનની અંદર જેટલા પણ CCTV કેમેરા આયોજકો દ્વારા લગાડવામાં આવ્યા છે કે તમામ CCTV કેમેરાના આઈપી એડ્રેસ પોલીસ કંટ્રોલરૂમમાં મંગાવી લેવામાં આવ્યા છે. જેથી કરીને આ તમામ આયોજન અને તમામ પરિસ્થિતિ પણ પોલીસ સીધી નજર રાખી શકે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.