- RTOના દંડની ડુપ્લીકેટ રસીદ બનાવી વાહન છોડાવવાનું રેકેટ ઝડપાયું
- ત્રણ યુવકો વિરુધ્ધ ટ્રાફિક પોલીસે નોંધાવી ફરિયાદ
- રીક્ષા છોડાવવા આવેલ યુવાનોના મનસૂબા નાકામ
સુરતમાં RTOના દંડની ડુપ્લીકેટ રસીદ બનાવી વાહન છોડાવવાનું રેકેટ ઝડપાયું છે. મળતી માહિતી મુજબ સરથાણા વિસ્તારમાં ટ્રાફિકનું ગોડાઉન પર Rto ના દંડની ડુપ્લીકેટ રસીદ બતાવી ત્રણ યુવકો વાહન છોડાવવા આવ્યા હતા. જે બાબતે QR કોડ સ્કેન ન થતા શંકા જતાં સમગ્ર હકીકત સામે આવી હતી. જે બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેને લઈને તમામ ટ્રાફિક રિજિયનની ઓફિસ પર તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ ટ્રાફિક પોલીસે છેલ્લા 1 વર્ષની RTO દંડની સ્લીપની તપાસ કરાવતા 29 બોગસ રસીદ મળી આવી હતી. જે અંગે ટ્રાફિક પોલીસે રીક્ષા છોડાવવા આવેલ ક્રિષ્ના, સંદીપ અને વિશાલ નામના ત્રણ ઈસમો સામે ગુનો નોંધાવ્યો છે.
અનુસાર માહિતી મુજબ, સુરતમાં RTO ની બોગસ રસીદ બનાવી સરકારને ચૂનો ચોપડયો હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં ટ્રાફિક પોલીસે ઝડપેલા વાહનો 3 યુવાનો 1 વર્ષથી બોગસ રસીદ બતાવી છોડાવી જતા હતા. જોકે RTOમાં ભરવામાં આવેલા દંડની રસીદનો QR કોડ સ્કેન કરતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ટ્રાફિક જવાન દ્વારા સરથાણા પોલીસ મથકમાં 3 ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ટ્રાફિક રીજીયન-1 વિસ્તારમાં M.V.Act કલમ 207 મુજબ જમા થતા વાહનો સરથાણા વિસ્તારમાં આવેલ ટ્રાફિક ગોડાઉન તરીકે ઓળખાતી જગ્યા ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં 21, (સિમાડા -સરથાણા ) ફાયનલ પ્લોટ નં 95/2, (ડિસ્ટ્રીક સેન્ટર) ખાતે રાખવામાં આવે છે અને તેની નિયત રજીસ્ટરોમાં નોંધ કરવામાં આવે છે. અને વાહન માલીકો દ્વારા RTO અથવા નામદાર કોર્ટમાં કે સક્ષમ ટ્રાફિક અધિકારી સમક્ષ દંડ ભરી આવે તે અંગેની પહોંચ રજુ કરેથી માલીકી અંગેના દસ્તાવેજો ચેક કરી, જે-તે રજીસ્ટરમાં નોધ કરી વાહન છોડાવી જનારની સહી કરાવી વાહન પરત આપવાનું હોય છે.
ટ્રાફિક પોલીસનો જવાન જીગ્નેશગીરી, જગદીશગીરી સરથાણા ગોડાઉન ખાતે ફરજ ઉપર હાજર હતા. ત્યારે એક ઓટો રીક્ષા નં.GJ-05-CV-2046 છોડાવવા માટે 3 ઇસમો વિશાલ,ક્રિષ્ના અને સુનિલ આવ્યા હતા. જે પૈકી વિશાલે RTOમાં દંડ ભર્યાની સ્લીપ રજુ કરી અને તેની પાસે રીક્ષાના માલિક તરીકે સાબિતી માટે RC બુક અને ID પ્રુફની માંગણી કરતાં તેઓએ રજુ કરેલ RC બુક અને આધાર કાર્ડ જોતા ઓટો રીક્ષાના માલિક બીજા હોવાનું જણાયુ હતું. જેથી તેને રીક્ષા સુપરત કરી નહી અને રીક્ષા માલિકને રીક્ષા છોડાવવા આવવા માટે જણાવ્યુ હતું.
ત્રણેય ઇસમોની ચાલ-ચલગત બાબતે શંકા જતાં ટ્રાફિક જવાને તેની રીતે અંગત જાણકારી મેળવતાં જાણવા મળ્યું હતું કે, RTO માં દંડ ભર્યા અંગેની અસલ રસીદ હોય તો, રસીદ પર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરવામાં આવે તો RTO ના રેકોર્ડ ઉપર ડિજીટલ સ્લીપ જોઇ શકાતી હોય છે. જે મુજબ તેને ઓટો રીક્ષા નં.- GJ-05-CV-2046 ના રજુ કરેલા RTO માં દંડ ભરેલ સ્લીપ રસીદ પર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરતાં કોઇ વિગતો ખુલી નહી. જેથી અન્ય એક ટુ-વ્હિલરની રસીદની ઉપર આવેલ QR કોડ સ્કેન કરતાં તરત જ તે રસીદની વિગતો વાળી ડિઝીટલ રસીદ જોવા મળી હતી.
રીક્ષા નં GJ-05-CV-2046 ના RTO દંડ ભર્યા બાબતે વધુ ખરાઇ કરવા ગોડાઉનના મોટર વ્હીકલ એક્ટ 207મુજબ જમાં લેવામાં આવેલ અને છુટી ગયેલ વાહનો સંબધે રજુ થયેલ RTO દંડ ભર્યા અંગેની રસીદો ઉપર આવેલ QR કોડ સ્કેન કરતા બીજા કુલ 29 જેટલા અલગ-અલગ વાહન ચાલકો દ્વારા રજુ કરેલ RTO દંડ ભર્યા અંગેની રસીદોના QR કોડ સ્કેન કરતાં ડિજીટલ રસીદ ખુલી નહતી. જેથી ઉપરી અધિકારીને વાહનો બાબતે સુરત RTO માં તપાસ કરાવતાં RTO ના રેકોર્ડમાં આ પ્રકારનો કોઇ દંડ ભરાયેલ ન હોવાનું અને આ રસીદો RTO સુરત તરફથી ઇશ્યુ થયેલ ન હોવાનું સામે આવ્યું હતું.
જેથી ગત 9 જાન્યુઆરી 2025ના રોજ અને પહેલાના એકાદ વર્ષના સમયગાળા દરમ્યાન રીક્ષા નં. GJ-05-CV-2046 ની છોડાવવા આવેલ વિશાલ, ક્રિષ્ના સંદિપે કુલ 29 વાહનોના માલિકો કે કબ્જેદારોએ અલગ-અલગ સમયે સુરત શહેર ટ્રાફિક રીજીયન-1 વિસ્તારમાંથી M.V.ACT-207 મુજબ જમાં લેવામાં આવેલ વાહનો પોતાના અગંત આર્થિક ફાયદા માટે સુરત RTO કચેરીના અધિકારીની બોગસ સહી સિક્કાવાળી રસીદો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સરકારી તીજોરીને 2.38 લાખનું નુકસાન પહોંચાડયુ હતું. સરથાણા ટ્રાફિક ગોડાઉન ખાતેથી વાહનો છોડાવી જતા સરથાણા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની ફરીયાદ આપવામાં આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય