- રાષ્ટ્ર ધ્વજના પોટલા બનાવી કાપડનો વેસ્ટેજ ભરવામાં આવતો
- પોલીસે ઘટના સ્થળે પહોચી 3 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી
સુરત ખાતે દેશના તિરંગાનું અપમાન કરવાની ઘટનાને પગલે શહેરનાં જાગૃત નાગરિકો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં કાપોદ્રા ખાતે રસ્તા પર ટ્રકના પાછળના ભાગે રાષ્ટ્ર ધ્વજના પોટલા બનાવીને તેમાં કાપડનો વેસ્ટેજ ભરેલ હતો. પોલીસે ઘટના સ્થળે પહોચી ટ્રક ચાલકની પ્રાથમિક પૂછપરછને અંતે પાંડેસરાથી વધારાના કાપડને રાષ્ટ્રધ્વજના પોટલા બનાવીને ટ્રકમાં લોડ કરનાર વેપારી સહિત 3 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના પુણા ગામ ખાતે રહેતા તુષાર સોલંકી ગત રોજ પોતાના ઘરેથી મિત્ર સાથે કાપોદ્રા ખાતે આવેલ ગિરનાર ઝુંપડપટ્ટી મામાદેવ મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના મિત્ર દિનેશ દેસાઈના પાર્કિંગમાં ઉભેલી એક ટ્રકમાં રાષ્ટ્ર ધ્વજના પોટલા બનાવીને તેમાં કાપડનો વેસ્ટેજ ભરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે રાષ્ટ્ર ધ્વજના ધરાર અપમાનને કારણે ચોંકી ઉઠેલા તુષાર સોલંકીએ તાત્કાલિક 100 નંબર પર પોલીસ કંટ્રોલને જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે ઘસી આવી હતી.
આ સાથે જ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રાથમિક તપાસ દરમિયાન ટ્રક ચાલકનું નામ કુરબાનખા હનિફખા હોવાનું જાણવા મળ્યું હતું. જેણે પુછપરછ દરમિયાન પાંડેસરાના બમરોલી ખાતે કપડાઓનો વધારાનો કચરો જે અન્ય સામગ્રીમાં વાપરી શકાય તે મંગાવીને રાજસ્થાન લઈ જવા માટે કાપડના વધારાના જથ્થાનો પોતે પોટલા બનાવી ટ્રકમાં લોડ કરેલ હોવાનું કહ્યું હતું. જેના આધારે કાપોદ્રા પોલીસ દ્વારા ટ્રક ચાલક સહિત તેના સહયોગી અયુબખા દરીયામખા અને કાપડ ખરીદનાર હંસરાજ પ્રજાપતિ વિરૂદ્ધ રાષ્ટ્ર ધ્વજના અપમાન કરવાને બદલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ભાવેશ ઉપાધ્યાય