- 10,000 રૂપિયાની લેતીદેતીમાં મિત્રોએ જ એક મિત્રને મોતને ઘાટ ઉતાર્યો
- પોલીસે હત્યારા મિત્રો સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
સુરત સમાચાર : સુરત શહેરમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે 10,000 રૂપિયાની લેતીદેતીમાં મિત્રોએ જ એક મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો છે. ચપ્પુ અને તીક્ષણ હથિયારના ઘા ઝીંકીને કુરતાપૂર્વક મિત્રોએ સાથે મળીને મિત્રની જ હત્યા કરી નાખી છે. જ્યારે આ ગુનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડિંડોલીમાં શાકભાજી માર્કેટની બાજુમાં શંકર ભગવાનના મંદિરની સામે એક યુવકની 2 મિત્રોએ સાગરિતો સાથે તલવાર અને ચપ્પુના 10 ઘા ઝીંકી હત્યા કરી છે. યુવકે તેના બે મિત્રોને 10 હજારની રકમ ઉછીની આપી હતી. જે રૂપિયાની માંગણી કરવા જતા મિત્રોએ તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. મૃતકનું નામ દેવીદાસ ભાગવત પાટીલ છે. અને તેણે એકાદ વર્ષ પહેલા હત્યારા રોશન ઉર્ફે બાળા પાટીલ અને આસુતોષ રાજપુતને 10 હજારની રકમ ઉછીની આપી હતી.
દેવીદાસે આ રકમની માંગણી કરતા બન્ને મિત્રોએ તેના સાગરિતો સાથે મળી હત્યા કરી નાખી હતી. દેવીદાસને મોઢા, ગળા અને છાતી પર તલવાર અને ચપ્પુના 10 ઘા માર્યા હતા. જ્યારે પેટમાંથી આંતરડું બહાર કાઢી નાખી ઘટનાસ્થળે જ ઢીમ ઢાળી દીધું હતું.
મૃતક યુવક માતાને મિત્રના લગ્નમાં પીઠીના કાર્યક્રમમાં જવાની વાત કરી હતી. આ પહેલા તેણે બે મિત્રો પાસેથી 10 હજારની રકમ લઈ કપડાં ખરીદી કરવાનું માતાને કહી ઘરેથી બાઇક પર નીકળ્યો હતો. દીકરાના મોતને લઈ માતાએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે હત્યારા મિત્ર આશુતોષ ઉર્ફે ચીના, રોશન ઉર્ફે બાળા, ચેતન ઉર્ફે બટકો અને અવિનાશ ઉર્ફે બાબુની સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.