-
ડુમસ ખાતે આવેલી વિકેન્ડ હોમ હોટેલમાં બે દિવસ અગાઉ ફાયરિંગની ઘટના બની હતી
-
ડુમસ પોલીસે ફાયરિંગ કેસમાં 3ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
સુરત ન્યૂઝ
સુરતના ડુમસ ખાતે આવેલી વિકેન્ડ હોમ હોટેલમાં બે દિવસ અગાઉ ફાયરિંગની ઘટના બની હતી. ડુમસ પોલીસ માથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,વિકેન્ડ હોમ નામની હોટલમાં ફાયરિંગની આ ઘટના બની હતી. હોટેલમાં રોકાયેલા પ્રેમી અને પ્રેમિકા વચ્ચે કોઈક બાબતે માથાકૂટ થઈ હતી. બંને વચ્ચે ચાલી આવેલા ઝઘડાના પગલે પ્રેમિકાએ પોતાના અન્ય ત્રણ મિત્રોને હોટલ પર બોલાવી લીધા હતા. હોટલ પર આવી ચઢેલા ત્રણે મિત્રો અને પ્રેમી વચ્ચે બોલાચાલ અને ઝઘડો થયો હતો. ઝપાઝપી બાદ પ્રેમી પાસે રહેલી લાઇસન્સવાળી રિવોલ્વર આંચકી પ્રેમિકાના ત્રણ પૈકીના એક મિત્રએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરતા દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની જાણકારી હોટેલ સંચાલકો દ્વારા પોલીસને કરતા ડુમસ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. હોટેલમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પ્રેમી દ્વારા પોતાની પ્રેમિકાના લમણે રિવોલ્વર તાંકી દેવામાં આવી હતી.આ સમગ્ર ઘટના બાદ ડુમસ પોલીસ દ્વારા પ્રેમિકાની ફરિયાદ લઈ પ્રેમી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ ફાયરિંગ કરનારા પ્રેમિકાના ત્રણ પૈકીના એક મિત્ર દ્વારા કરાયેલ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ અને માથાકૂટની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસમાં પ્રેમીએ ફરિયાદ આપતા કાર્યવાહી કરવામાં આવી હતી. ડુમસ પોલીસે ફાયરિંગ કેસમાં વૈભવ જાસોલીયા, અકીલ પરવેઝ બલોચ અને ઉર્વેશ બુહાનીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.