- 41.7 ડિગ્રી સાથે રાજકોટ રહ્યું રાજયનું સૌથી ગરમ શહેર: 41.5 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ અને સુરેન્દ્રનગર બીજા ક્રમે રહ્યું
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રીકોપ વરસી રહ્યો છે. રાજ્યના 5 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું છે. ત્યારે રાજ્યમાં ગરમી સાથે વરસાદની પણ આગાહી છે. આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીમાં નહિવત ઘટાડો જોવા મળ્યો હતો. જો કે બપોર થતાની સાથે જ પારો 41 ડિગ્રી સુધી પહોંચતા લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજીબાજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. 13 એપ્રિલ, 14 એપ્રિલ અને 15 એપ્રિલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.
રાજ્યના 6 શહેરોમાં તાપમાન મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. તો 41.7 ડિગ્રી સાથે રાજકોટ રહ્યું સૌથી ગરમ શહેર રહ્યું હતું. 41.5 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ અને સુરેન્દ્રનગર બીજા ક્રમે રહ્યું. કચ્છમાં પણ હિટવેવની આગાહી છે. ગુજરાતીઓ માટે મે કરતા એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે. કારણ કે, પહેલા વરસાદ અને બાદમાં આગ ઓકતી ગરમીની આગાહી છે. તેમાં પણ એપ્રિલ મહિનામાં 25 માંથી 20 દિવસ તો 40 થી વધુ ડિગ્રી તાપમાનમાં શેકાવા તૈયાર રહેવું પડશે. વેકેશન પૂરુ થતા જ વાતાવરણ તેના અસલી મિજાજમાં આવે તેવી સંભાવના છે. એપ્રિલના ત્રીજા સપ્તાહમાં જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી જાય તેવી શક્યતા છે.
અંબાલાલ પટેલે આગાહી કરી કે, 12 થી 15 એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 થી 15 એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે. આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જોર રહેશે.
- અમદાવાદ 41.5
- ગાંધીનગર 41.0
- વડોદરા 39.6
- ભુજ 41.1
- નલિયા 37.0
- પોરબંદર 36.2
- રાજકોટ 41.7
- સુરેન્દ્રનગર 41.5
- કેશોદ 39.0