દેશભરની ૨૩ હાઈકોર્ટના જજોની નિમણુંક અંગે સુપ્રીમ કોર્ટ અંતિમ નિર્ણય સંભળાવશે
દેશભરની અલગ-અલગ હાઈકોર્ટના ન્યાયધીશોની નિમણુક માટે સરકારે ૬૯ નામ સુપ્રીમ કોર્ટને સોંપ્યા છે. કાયદા મંત્રાલયે આ ૬૯ નામોનું શોર્ટ લીસ્ટ તૈયાર કરી સુપ્રીમના કોલેજીયમને આપ્યું છે.
હાઈકોર્ટના જજોની નિમણુક પ્રક્રિયા મુજબ હાઈકોર્ટના કોલેજીયમ શોર્ટ લિસ્ટના ઉમેદવારોના નામ કાયદા મંત્રાલયને મોકલવામાં આવે છે અને ત્યારબાદ અંતિમ નિર્ણય કરવા કાયદા મંત્રાલય આ નામોને સુપ્રીમ કોર્ટમાં કોલેજીયમ પાસે મોકલે છે. સુપ્રીમના કોલેજીયમને મોકલ્યા પહેલા ઉમેદવારોના નામનો એક આઈબી રીપોર્ટ પણ તૈયાર કરાયો છે. ૨૩ હાઈકોર્ટના કોલેજીયમને ૬૯ નામોની ભલામણ કરી છે. જેના ઉપર સુપ્રીમ કોર્ટના કોલેજીયમ દ્વારા વિચાર-વિમર્શ કરાશે અને ત્યારબાદ આ મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
નિયમાનુસાર હાઈકોર્ટ કોલેજીયમ જે નામોની ભલામણ કરે છે. તેમાંથી સુપ્રીમ કોર્ટ લગભગ ૪૦ ટકા નામ અસ્વિકાર કરે છે.આ વર્ષે ૨૪ હાઈકોર્ટમાં ૩૪ ન્યાયધીશોની નિમણુક કરાઈ છે. વર્ષ ૨૦૧૬માં દેશભરની હાઈકોર્ટમાં ૧૨૬ જજો મુકાયા હતા. જે સ્વતંત્રના બાદની સૌથી વધુ ભરતી પ્રક્રિયા હોવાનો સરકારનો દાવો છે. જોકે નિયમ અનુસાર સરેરાશ ૮૬ જજોની નિમણુક થઈ શકે છે.