મહત્તમ સજાના એક તૃતિયાંશ સમય જેલવાસ ભોગવી લીધો હોય તો મુક્ત કરી જ શકાય: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું છે કે, વર્ષોથી જેલમાં બંધ કાચા કામના કેદીઓની મુક્તિ એ ભારતની આઝાદીના 75માં વર્ષ (અમૃત મહોત્સવ)ની ઉજવણીનો સચોટ માર્ગ હશે. કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં આવી યોજના તૈયાર કરવી જોઈએ જેથી અંડરટ્રાયલ અને નાના ગુનાઓમાં સંડોવાયેલા કેદીઓને મુક્ત કરી શકાય.
જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમ.એમ. સુંદરેશની બેન્ચે કહ્યું કે, જો ન્યાયતંત્ર 10 વર્ષમાં કેસનો નિર્ણય ન લઈ શકે તો કેદીઓને આદર્શ રીતે જામીન પર મુક્ત કરવા જોઈએ. જો કોઈ વ્યક્તિ 10 વર્ષ પછી આખરે નિર્દોષ છૂટે છે તો તે તેના જીવનના વર્ષો પાછા મેળવી શકતો નથી.જસ્ટિસ કૌલે કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી) કે.એમ. નટરાજને કહ્યું કે, સરકાર આઝાદીના 75 વર્ષની ઉજવણી ’આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે કરી રહી છે.
અન્ડરટ્રાયલ કેદીઓ કે જેમણે તેમની મહત્તમ સજાનો એક તૃત્યાંશ સમય જેલમાં વિતાવ્યો છે તેમને મુક્ત કરવા માટે પગલાં લેવા એ ખરા અર્થમાં ઉજવણીનો સાચો માર્ગ છે.આ વિચાર જેલ અને ટ્રાયલ કોર્ટનો બોજ ઘટાડવાનો છે. આ માટે કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા કરીને નીતિ બનાવવી જોઈએ. જેથી અમુક કેટેગરીના અંડરટ્રાયલ અને દોષિતોને ચોક્કસ સમયગાળા પછી મુક્ત કરી શકાય.
દેશની હાઈકોર્ટમાં લાંબા સમયથી પડતર અરજીઓ અને જામીન અરજીઓનો સ્ટોક લીધા બાદ બેન્ચે આ અવલોકનો કર્યા હતા અને જાણવા મળ્યું હતું કે આરોપીઓ અને દોષિતો કેસના નિકાલની રાહ જોઈ રહ્યા છે. ગયા વર્ષે, ખંડપીઠે અન્ડરટ્રાયલ કેદીઓને તેના નિર્દેશોના અમલીકરણની દેખરેખ રાખવા અને અપીલ પડતર કેદીઓને જામીન આપવા માટે સુઓ મોટુ કાર્યવાહી શરૂ કરી હતી.
બેન્ચે સ્પષ્ટ એવું પણ કહ્યું કે, અમે એવું નથી કહી રહ્યા કે જેણે ગુનો કર્યો છે તેને જેલની સજા ન થવી જોઈએ. પરંતુ લાંબા સમય સુધી ટ્રાયલ ચલાવવી અને કોઈને દોષિત ઠેરવ્યા વિના લાંબા સમય સુધી જેલના સળિયા પાછળ રાખવા એ ઉકેલ હોઈ શકે નહીં. ઉપરાંત, પ્રથમ વખત, નાના ગુનાઓમાં દોષિત ઠરેલા લોકોને સારા વર્તનના બોન્ડ પર મુક્ત કરી શકાય છે.તેવી જ રીતે, અંડરટ્રાયલને પણ સંભવિત સજાના એક તૃતીયાંશ અથવા વધુ માટે જેલમાં સેવા આપ્યા પછી જામીન પર છોડવા જોઈએ. જેના જવાબમાં, એએસજી નટરાજે કહ્યું, બેંચના સૂચનને હાલના કાયદાકીય માળખા હેઠળ તપાસવું પડશે.બેન્ચે એ વાત પર પણ અફસોસ વ્યક્ત કર્યો હતો કે નીચલી અદાલતો સમક્ષ સજાના શિક્ષાત્મક સિદ્ધાંતને પ્રાથમિકતા આપવામાં આવે છે. સજાના સુધારાવાદી સિદ્ધાંતને સંપૂર્ણપણે અવગણવામાં આવે છે. સજાનો એક હેતુ આરોપીને સમાજની મુખ્ય ધારા સાથે જોડવાનો પણ છે.
‘આઉટ ઓફ બોક્સ’ વિચારી કોઈ પગલું ભરો: સુપ્રીમ
બેન્ચે કેન્દ્રને ’આઉટ ઓફ બોક્સ’ વિચારવા સૂચન કર્યું છે. બેન્ચે કહ્યું કે, આ ચિંતાનો વિષય છે. તમારે બોક્સની બહાર વિચારવું જોઈએ. જો કાચા કામનો કેદી 10 વર્ષ પછી તમામ આરોપોમાંથી નિર્દોષ છૂટી જાય તો તેના જીવનના 10 વર્ષનો સમયગાળો કોઈ પરત અપાવી શકશે? જો અમે 10 વર્ષમાં કેસનો નિર્ણય કરી શકતા નથી, તો આદર્શ રીતે તેને જામીન આપવા જોઈએ.
15મી ઓગસ્ટ પૂર્વે ટોકન સ્વરૂપે કેદીઓનો છુટકારો કરવા સુપ્રીમનું સૂચન
સુપ્રીમની ખંડપીઠે કહ્યું હતું કે, આ દિશામાં પગલું ભરવું જરૂરી છે અને આ પગલું તાત્કાલિક ભરવામાં આવે તેવું અમે ઝંખીએ છીએ. બેંચે કહ્યું હતું કે, આગામી 15 ઓગસ્ટ પૂર્વે ટોકન સ્વરૂપે આ યોજના શરૂ કરી શકાય તેમ છે. જેના લીધે સમાજમાં એક સારો સંદેશ જશે. નાના ગુન્હામાં જેલના સળિયા પાછળ ધકેલી વર્ષો સુધી જામીન નહીં આપવા તે આરોપીને સુધારવાનો માર્ગ ક્યારેય હોઈ શકે નહીં.