વર્ષ 2021ના આંકડા અનુસાર 4.27 લાખ કાચા કામના કેદીઓ જામીનના અભાવે જેલના સળિયા પાછળ!!
જ્યારે આપણે દેશની જેલો વિશે વિચાર કરીએ ત્યારે ‘ભીડથી ભરેલી જેલ’ તેવું ચોક્કસ ધ્યાનમાં આવે. તે નોંધવું યોગ્ય છે કે દેશભરની જેલમાં બંધ 77% લોકો અંડરટ્રાયલ છે, જેમનો દોષ હજુ સાબિત નથી થયો એટલે કે તેઓ કાચા કામના કેદીઓ છે. એનસીઆરબી મુજબ ડિસેમ્બર 2021 સુધીમાં, 427,165 અંડરટ્રાયલ કેદીઓ હતા, જેમાંથી 11,490 પાંચ વર્ષથી વધુ સમયથી ટ્રાયલની રાહ જોતા જેલમાં હતા, જે ફોજદારી ન્યાય પદ્ધતિની એક દુઃખદ બાબત છે.
કોવિડને કારણે આ આંકડો ચોક્કસ વધી શકે છે પરંતુ મહામારીથી સ્વતંત્ર, કાચા કામના કેદીઓની સંપૂર્ણ સંખ્યામાં વધારો થયો છે. કાયદા દિવસ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમની દુર્દશા પર પ્રકાશ પાડ્યો હતો. બજેટ 2023-24 રજૂ કરતા નાણાંમંત્રીએ ગરીબ કેદીઓ માટે નાણાકીય સહાયની વાત કરી હતી જેઓ દંડ અથવા જામીનની રકમ ભરી શકવા સક્ષમ હોતા નથી.
અન્ડરટ્રાયલ ત્રણ સંભવિત કારણોસર ન્યાયિક કસ્ટડીમાં રહે છે. એક, અદાલતોએ જામીન નામંજૂર કર્યા છે કારણ કે તેઓ બિનજામીનપાત્ર ગુનાઓમાં આરોપી છે. બે, ગરીબ કેદીઓ જામીન આપી શકતા નથી અને ત્રણ, અશિક્ષિત કેદીઓ સીઆરપીસીની કલમ 436એ હેઠળના તેમના અધિકારો જાણતા નથી. અંડરટ્રાયલ્સની એજ્યુકેશન પ્રોફાઈલ પર એનસીઆરબી ડેટા દર્શાવે છે કે હા, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ કરતાં અશિક્ષિતોની સંખ્યા ઘણી વધારે છે.
સુપ્રીમ કોર્ટનો ડિફોલ્ટ ટેમ્પ્લેટ સફેદ-કોલર ગુંડાઓ સિવાય જામીન આપવાનો હોવાનું જણાય છે પરંતુ નીચલી અદાલતો માટે ડિફોલ્ટ મુદ્દો બિન-જામીન છે
જેઓ હુસૈનરા ખાતૂન વિરુદ્ધ બિહાર, 1979ના કેસને જાણે છે, તેઓને યાદ હશે કે ઉપરના એક અને બે પરિબળોને સમર્થન આપવામાં આવ્યું હતું. તે સમયે, કોર્ટના શબ્દને અનુસરીને આશરે એક તૃતીયાંશ અન્ડરટ્રાયલ મુક્ત કરવામાં આવ્યા હતા. જો તે બાબતને સચોટ નમૂનો ગણી અનુસારવામાં આવે તો વર્તમાન સંખ્યાના 140,000 થી વધુ કાચા કામના કેદીઓને મુક્ત કરવા જોઈએ.
હાલ જામીન માટે સાત અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે જેમાં પ્રથમ જેઓ સિવિલ કેદ હેઠળ છે. બીજું, 7 વર્ષથી ઓછી સજાવાળા ગુનાઓ માટે 15 દિવસથી વધુની કસ્ટડીમાં હોય છે. ત્રીજું વરિષ્ઠ નાગરિકો ગુના માટે 3 મહિનાથી વધુની કસ્ટડીમાં છે જ્યાં મહત્તમ સજા 10 વર્ષથી ઓછી છે. ચોથું જેઓ આઈપીસી કલમ 304 અથવા 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ 6 મહિનાથી વધુ જેલમાં છે. પાંચમું આઈપીસી કલમ 304બી (દહેજ) હેઠળના ગુનામાં સંબંધીઓ એક વર્ષથી જેલમાં છે. છઠઠું અંડરટ્રાયલના અધિકારો સાથે સંકળાયેલા ક્રિમિનલ કોડ સેક્શન હેઠળ, કલમ 436એ સીઆરપીસી, જ્યાં સુધી દંડ ફાંસીની સજા ન હોય અને અટકાયત મહત્તમ સજા અડધા કરતાં વધુ હોય જામીન સાથે અથવા વગર વ્યક્તિગત બોન્ડ પર મુક્તિને પાત્ર છે.