સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ સતત ત્રીજી વાર વધારવા સામે સુપ્રીમની રોક : 31 જુલાઈ સુધી પદ પર રહી શકશે
કેન્દ્ર સરકારને મંગળવારે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે એનફોર્સમેન્ટ ડિરેક્ટરેટ(ઇડી) ચીફ સંજય મિશ્રાને ત્રીજી વખત એક્સટેન્શન આપવાના આદેશને રદ કર્યો હતો. કોર્ટે કહ્યું કે ઇડી ચીફને ત્રીજી વખત એક્સટેન્શન આપવું અયોગ્ય છે. સુપ્રીમે કહ્યું કે, ઇડી ડાયરેક્ટરની સેવા ત્રીજી વખત એક્સ્ટેંશન ગેરકાયદેસર અને કાયદાની દૃષ્ટિએ રદબાતલ છે. જો કે, સરકારને રાહત આપતા સુપ્રીમ કોર્ટે સેવાના વિસ્તરણને સંચાલિત કરતા કાયદામાં કરેલા સુધારાને યોગ્ય ગણાવ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ઇડી ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાના કાર્યકાળનું વિસ્તરણ ગેરકાયદેસર છે પરંતુ તેઓ આ પદ પર 31 જુલાઈ 2023 સુધી ચાલુ રહી શકે છે. જેથી આગામી સમયમાં એફએટીએફની સમીક્ષા થવાની હોવાથી સત્તાનું સરળ સંક્રમણ અને ટ્રાન્સફર સુનિશ્ચિત કરી શકાય.
સુપ્રીમે કહ્યું કે સેવાના વિસ્તરણને સંચાલિત કરતા કાયદામાં સુધારો યોગ્ય છે. કોર્ટની ઉચ્ચ સત્તાવાળી સમિતિની ભલામણ પર મુદત વધારવાની સત્તા કેન્દ્ર પાસે છે.
ઉલ્લેખનીય છે કે, સંજય મિશ્રાની પ્રથમ વખત 19 નવેમ્બર 2018ના રોજ બે વર્ષના સમયગાળા માટે ઇડી ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેઓ નવેમ્બર 2020 માં પદ છોડવાના હતા પરંતુ તે પહેલા તેઓ 60 વર્ષની ઉંમરે પહોંચી ગયા હતા એટલે કે મે મહિનામાં નિવૃત્તિ લીધી હતી. નવેમ્બર 2020માં તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા કેન્દ્ર સરકારે તેમનો કાર્યકાળ બે વર્ષના બદલે ત્રણ વર્ષનો કરી દીધો હતો.
આ પછી કેન્દ્ર સરકારે નવેમ્બર 2021માં સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી) એક્ટ તેમજ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારો કરવા માટે વટહુકમ લાવ્યો, જેના હેઠળ સીબીઆઈ અને ઇડીના વડાઓને 1-3ના ત્રણ સર્વિસ એક્સટેન્શન આપવામાં આવ્યા.
આ પછી નવેમ્બર 2021માં જ સંજય મિશ્રાને બીજી વખત એક વર્ષ માટે સર્વિસ એક્સટેન્શન મળ્યું હતું. આ પછી નવેમ્બર 2022માં કેન્દ્ર સરકારે ત્રીજી વખત સંજય કુમાર મિશ્રાને એક વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું. આ મુજબ સંજય મિશ્રાનો કાર્યકાળ 18 નવેમ્બર 2023ના રોજ પૂરો થવાનો હતો. પરંતુ તે પહેલા સુપ્રીમ કોર્ટે એક્સટેન્શનના આદેશને રદ કરી દીધો હતો.
ઇડી ચીફના કાર્યકાળના વિસ્તરણ સામે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમે અરજી પર કેન્દ્ર પાસે જવાબ માંગ્યો હતો. આ સાથે સુપ્રીમે સપ્ટેમ્બર 2021 માં આપેલા આદેશને પાછો ખેંચવાની કેન્દ્રની અરજી પર સવાલ ઉઠાવ્યા હતા. આ ક્રમમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને 16 નવેમ્બર, 2021થી આગળ વધારવાથી અટકાવવામાં આવ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને મૌખિક રીતે કહ્યું હતું કે અનુગામી કાયદાકીય ફેરફાર અગાઉના નિર્ણય અથવા આદેશને પાછો ખેંચી લેવા અથવા તેમાં ફેરફાર કરવાનું કારણ બની શકે નહીં.