સુપ્રીમ કોર્ટે ઇડબ્યુએસ અનામતને માન્ય ઠેરવ્યું: આર્થિક રિતે નબળા વર્ગને 10% અનામત યથાવત રહેશે
અગાઉ અનામતનો લાભ જે લોકો સક્ષમ હતા તે પણ લેવા લાગતા આ મુદ્દો સામાજિક બની ગયો હતો. બાદમાં આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા ઈડબ્લ્યુએસ અનામત લાગુ થતા તેના વિરોધમાં સુપ્રીમમાં ઘા નાખવામાં આવ્યો હતો. પણ આજે સામાજિક નહિ, આર્થિક પછાતપણાને ” “સાચવી લેવા” સુપ્રીમે મ્હોર લગાવી છે.
આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આપવામાં આવતા ઈડબ્લ્યુએસ ક્વોટા પર સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે આ 10 ટકા અનામતને માન્ય ગણાવી છે. ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ દિનેશ મહેશ્વરીએ તેમનો નિર્ણય વાંચીને ઇડબ્લ્યૂએસ આરક્ષણને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ ક્વોટા બંધારણના મૂળભૂત સિદ્ધાંતો અને ભાવનાનું ઉલ્લંઘન કરતું નથી. મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયમૂર્તિ મહેશ્વરી ઉપરાંત ન્યાયમૂર્તિ બેલા એમ. ત્રિવેદીએ ઈડબ્લ્યુએસ વોટાની તરફેણમાં પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમના સિવાય જસ્ટિસ જેપી પારડીવાલાએ ગરીબોને આપવામાં આવેલી 10 ટકા અનામતને યોગ્ય ઠેરવી હતી.
ઈડબ્લ્યુએસ ક્વોટાની માન્યતાને પડકારતી 30 થી વધુ અરજીઓની સુનાવણી બાદ કોર્ટે 27 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.
સરકારી નોકરીઓમાં આર્થિક રીતે નબળા વર્ગને આપવામાં આવેલી અનામત પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. જજોએ બંધારણના 103મા સુધારાને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આર્થિક આધાર પર અનામત આપવી એ બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન નથી. ઉલ્લેખનીય છે કે ઈડબ્લ્યુએસ ક્વોટામાં જનરલ કેટેગરીને આર્થિક આધાર પર 10 ટકા અનામત મળે છે. આ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે અનામત પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. આજે મુખ્ય ન્યાયાધીશનો છેલ્લો કાર્યકારી દિવસ પણ છે.
સમાનતાના મુદ્દાને કેન્દ્રમાં રખાયો છે: સુપ્રીમ
જસ્ટિસ બેલા ત્રિવેદીએ પોતાના નિર્ણયમાં કહ્યું કે, બંધારણનો 103મો સુધારો યોગ્ય છે. એસસી, એસટી અને ઓબીસી ને પહેલાથી જ અનામત મળી ચુક્યું છે. આથી તેમાં ઇડબ્લ્યુએસ અનામતનો સમાવેશ કરી શકાય નહીં. એટલા માટે સરકારે 10 ટકા અલગથી અનામત આપી. જસ્ટિસ મહેશ્વરીનો ચુકાદો આપતા કહ્યું કે અમે સમાનતાનું ધ્યાન રાખ્યું છે.
સતત 7 દિવસ સુનાવણી ચલાવી બેન્ચે 27 સપ્ટેમ્બરે ચુકાદો અનામત રાખ્યો ’તો
સુપ્રીમ કોર્ટ આજે 103મા બંધારણીય સુધારાની માન્યતાને પડકારતી અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો છે. જેમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને એડમિશન અને સરકારી નોકરીઓમાં 10 ટકા આરક્ષણ આપવામાં આવ્યું છે. બેન્ચે 27 સપ્ટેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો. ચીફ જસ્ટિસ યુ.યુ. લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, એસ રવિન્દ્ર ભટ, બેલા એમ ત્રિવેદી અને જેબી પારડીવાલા. આ કેસની મેરેથોન સુનાવણી લગભગ સાત દિવસ સુધી ચાલી હતી. અરજદારો અને (તત્કાલીન) એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઈડબ્લ્યુએસ ક્વોટાનો બચાવ કર્યો હતો.