રાજ્યની ખાનગી સ્કૂલોએ સુપ્રીમ કોર્ટમાં કરેલા કેસના હિયરિંગમાં સુપ્રીમ કોર્ટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે તે પ્રમાણે જ ફી વસૂલવા માટે આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે. સરકાર દ્વારા નિમાયેલી કમિટી પ્રોવિઝનલ ફી નક્કી કરે તે મુજબ જ સ્કૂલોએ ફી વસૂલવાની રહેશે અને આ નિયમ ૨૦૧૭-૧૮ના વર્ષથી જ લાગુ થશે તેવી સ્પષ્ટતા પણ કરી દેવાઈ છે. આમ, જે સ્કૂલોએ ચાલુ વર્ષ માટે વાલીઓ પાસેથી ઊંચી ફી વસૂલી હશે તેમણે પ્રોવિઝનલ ફી નક્કી થયા બાદ વધારાની ફી પરત કરવાની અથવા તો આગામી વર્ષમાં એડજસ્ટ કરી આપવાની રહેશે. આ ઉપરાંત જે પ્રોવિઝનલ ફી નક્કી થશે તે ત્રણ વર્ષ માટે રહેશે તેમ પણ જણાવ્યું છે. આમ, ચાલુ વર્ષની ફીને લઈને સ્કૂલોએ કરેલા ધમપછાડામાં તેમને પછડાટ મળી હોવાનું જણાય છે.
રાજ્યની ખાનગી સ્કૂલોએ ફીને લઈને સુપ્રીમ કોર્ટમાં કરેલા કેસમાં સોમવારે હિયરિંગ હાથ ધરાયું હતુંં. સુપ્રીમ કોર્ટે સરકારને પ્રોવિઝનલ ફી નક્કી કરવા માટે સૂચના આપી હતી, તે પ્રમાણે જ સ્કૂલોને ફી વસૂલવા માટે આદેશ કર્યો છે. જેથી હવે સરકાર દ્વારા જે પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં આવશે તે પ્રમાણેની જ ફી સ્કૂલોએ વસૂલ કરવાની રહેશે. આટલું જ નહીં, ખાનગી સ્કૂલોએ ચાલૂ વર્ષની ફી ઉઘરાવી લીધી હોઈ નવા શૈક્ષણિક સત્રથી તેનો અમલ કરવામાં આવે તેવી રજૂઆત પણ કરી હતી. પરંતુ તેની સામે સુપ્રીમે ૨૦૧૭-૧૮થી જ તેનો અમલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જેના પગલે જે સ્કૂલોએ ચાલુ વર્ષે ઊંચી ફી વસૂલી લીધી છે તેમને ફી પરત કરવાની ફરજ પડશે.
સુપ્રીમે આપેલા આદેશ મુજબ રાજ્ય સરકાર દ્વારા પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં આવશે અને તેનો અમલ ૨૦૧૭-૧૮ના શૈક્ષણિક વર્ષથી જ કરાશે. એટલે કે ચાલુ વર્ષે અને ત્યાર પછીના વર્ષે પણ આ જ પ્રોવિઝનલ ફી રહેશે.આમ, સરકાર દ્વારા પ્રોવિઝનલ ફી નક્કી કરાયા બાદ સ્કૂલો પોતાના એકાઉન્ટની વિગતો જમા કરાવશે. ત્યારબાદ સરકાર દ્વારા આ તમામ વિગતો અને વાલીઓના અભિપ્રાયોની વિગતો લઈ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવશે. જેનો સુપ્રીમ કોર્ટ અભ્યાસ કર્યા બાદ ૩ મેના રોજ અંતિમ ચુકાદો આપશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
- સરકાર પ્રોવિઝનલ ફી નક્કી ન કરે ત્યાં સુધી વાલીઓએ બાકીની ફી ભરવી નહીં
સુપ્રીમ કોર્ટે વાલીઓની તરફેણમાં હુકમ કર્યો છે. જેમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવનારી પ્રોવિઝનલ ફી જ સ્કૂલોએ વસૂલવાની રહેશે અને ફી ત્રણ વર્ષ માટે રહેશે. ઉપરાંત તેનો અમલ પણ ૨૦૧૭-૧૮ના વર્ષથી કરવાની પણ સ્પષ્ટતા કરી દેવાઈ છે. જેના પગલે હવે જ્યાં સુધી સરકાર દ્વારા પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં ન આવે ત્યાં સુધી વાલીઓએ બાકીની ફી ભરવાની રહેશે નહીં. - સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું સ્પષ્ટતા કરી ?
– બંને પક્ષે કોઈ પણ પૂર્વગ્રહ વિના પ્રોવિઝનલ ફી ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ માટે લાગુ પડશે.
– ૨૦૧૭-૧૮ની શૈક્ષણિક ફી, ફી નિર્ધારણ સમિતિ દ્વારા નક્કી કરાશે.
– ફી નિર્ધારણ સમિતિના અધ્યક્ષ પદે જો ઉપલબ્ધ થઈ શકે તેમ હોય તો હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરવાની રહેશે અને જો નિવૃત્ત જજની સેવાઓ ઉપલબ્ધ ન થાય તો સિનિયર જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક વિશે નિર્ણય લઈ શકાશે.
– ફી નિર્ધારણ રિવિઝન સમિતિમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદે નિવૃત્ત હાઈકોર્ટના જજની નિમણૂક કરવાની રહેશે.
– સ્કૂલો દ્વારા વસૂલવામાં આવતી ફી અંગે સ્કૂલની રજૂઆતના આધારે ફી નિર્ધારણ સમિતિ એક સપ્તાહના બદલે ચાર સપ્તાહમાં નિર્ણય લેશે. - હાઈકોર્ટના જજને કમિટીમાં નિમવા વધુ સમય અપાયો
સુપ્રીમ કોર્ટે સરકારને હાઈકોર્ટના નિવૃત્ત જજને કમિટીમાં નિમવા માટે આદેશ કર્યો હતો. જેમાં સોમવારે હિયરિંગ દરમિયાન હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરવા માટે બે સપ્તાહનો સમય વધારી આપ્યો હોવાનું જાણવા મળે છે. જેથી હવે ફેબ્રુઆરી માસના અંત સુધીમાં સરકાર દ્વારા કમિટીમાં હાઈકોર્ટના નિવૃત્ત જજની નિમણૂક કરાશે. આમ, સરકારને હવે કમિટીમાં નિવૃત્ત જજની નિમણૂક કરવા માટે થોડાક સમય મળ્યો હોઈ આ પ્રક્રિયા વહેલીતકે પુરી કરવા કવાયત શરૂ કરાશે. - 24મીએ વાલીઓની બેઠક મળશે
હાલમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ પણ વાલીઓમાં ફીને લઈને મૂંઝવણ છે. ઉપરાંત સરકાર પણ બે ઘોડા પર સવાર હોવાનું જણાવી જાગેગા ગુજરાત સંર્ઘષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડીયાએ જણાવ્યું હતું કે, ફીને લઈને અનેક મૂંઝવણો છે ત્યારે તેની ચર્ચા કરવા માટે અને આગળની રણનીતિનક્કી કરવા માટે સમગ્ર રાજ્યના વાલીઓની એક બેઠક ૨૪ ફેબ્રુઆરીના રોજ મળશે. જેમાં આગળની રણનીતિ નક્કી કરી તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.