કેદીઓને સામાન્ય પ્રવાહમાં જોડવાના છે કે ગુનેગાર બનાવવાના છે?
જેલમાં કેદીઓને અપાતી સુવિધાઓમાં ભેદભાવ કરવામાં ન આવવો જોઈએ
દેશમાં બનતા ગુનાઓને અટકાવવા તેમજ કેદીઓને જેલમાં રાખવા પાછળનો મુખ્ય હેતુ તેમને સુધારવાનો હોય છે. પરંતુ કેટલીક વખત કેદીઓ સુધરવાને બદલે જેલમાંથી વધુ ગુનાઓ તરફ પ્રેરીત થતા હોય છે. વર્તમાન સમયમાં નવા આવતા કેદીઓને જેલમાં વધુ મુશ્કેલી પડે છે.
ત્યારે રીઢા ગુનેગારો નવા કેદીઓને વધુ ક્રાઈમ તરફ દોરે છે. આ અંગે મહત્વનો નિર્ણય લેતા સુપ્રીમ કોર્ટે સુચના આપી કે, જેલના કેદીઓ પણ મનુષ્ય છે જેને સુધારવાનો પ્રયત્ન જેલની ફરજ છે માટે કેદીઓને મનોરંજન, સ્વાસ્થ્ય સહિતની સુવિધાઓ મળી રહે તેની જવાબદારી રાજયો તેમજ તમામ જેલની છે.
એક તરફ જેલના કેદીઓને સુધારવા માટે તેમને પુરતી સુવિધા, સારૂ ભોજન અને વાતાવરણ મળી રહે તે માટે મથામણ ચાલી રહી છે. તો બીજી તરફ કેટલાક કેદીઓ એવા પણ છે જેમને જેલમાં ફાઈવ સ્ટાર સુવિધા મળી રહી છે. યુનિટેક કંપનીના એમડી સંજય ચંદા અને તેના ભાઈ અજયને તિહાડ જેલમાં મળી રહેલી લકઝરી સુવિધાઓ ચર્ચામાં આવી છે તો આ સુવિધાને લઈ સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી હતી. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે, શું જેલમાં અપરાધીઓ સાથે સમાંતર વ્યવસ્થા ચાલી રહી છે.
જણાવી દઈએ કે હાઈકોર્ટ સેશન્સ જજના રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, સંજય અને અજયને જેલમાં ટીવી, કમ્પ્યુટર, અલગ ઓફિસ સહિતની સુવિધાઓ મળી રહી છે. જણાવી દઈએ કે, ગ્રાહકો સાથે ફ્રોડ કરવાના આરોપના યુનિટેકના એમડી સંજય ચંદા છેલ્લા એક વર્ષથી જેલમાં છે. ત્યારે જેલમાં રહેતા તમામ કેદીઓને સમાન અધિકાર મળે અને સુવિધાઓમાં ભેદભાવ ન કરવામાં આવે આ અંગે સુપ્રીમ કોર્ટે સુચના આપી હતી.
જેલની વ્યવસ્થા તેમજ કેદીઓને અપાતી સુવિધામાં ભેદભાવ ન થાય આ અંગે જેલોએ નવી વ્યવસ્થા બનાવવી પડશે.કેટલીક વખત કેદીઓ જેલના વાતાવરણને કારણે વધુ આક્રોશમાં આવીને વધુ ગુનાઓ તરફ પ્રેરીત થતા હોય છે. જો તેમને સાત્વીક ભોજન તેમજ યોગ્ય વાતાવરણ મળે તો તેમને ગેરકામો કરવા માટે બચાવી સમાજમાં રહેવા માટે ફરીથી સક્ષમ બનાવી શકાય.