હિંડનબર્ગ અને અદાણી મામલે સુપ્રીમે કેન્દ્રને સમિતિ બનાવવા સૂચના આપી, જેને પગલે કેન્દ્રએ સમિતિ બનાવવાની સહમતી આપી
વૈશ્વિક હરીફાઈમાં ઉતરેલી ભારતની કંપનીઓને નુકસાન પહોંચાડીને ભારતના અર્થતંત્રની ગેઇમ ન બને તે માટે સુપ્રીમ હરકતમાં આવી છે. સુપ્રીમે અદાણી- હિંડનબર્ગ મામલે સુનાવણી હાથ ધરી છે અને સમિતિ બનાવવા સૂચના પણ આપી હતી. જેને પગલે કેન્દ્ર પણ સમિતિ બનાવવા સહમત થઇ છે. કેન્દ્ર સરકારે અદાણી ગ્રૂપ-હિંડનબર્ગ મામલામાં નિષ્ણાત સમિતિની રચના કરવા સંમતિ દર્શાવી છે.
કમિટી જોશે કે શેરબજારની રેગ્યુલેટરી મિકેનિઝમ બદલવાની જરૂર છે કે કેમ. સોલિસિટર જનરલ તુષાર મહેતા સમિતિના સભ્યોના નામ સીલબંધ પરબીડિયામાં કોર્ટને આપશે. આ કેસની આગામી સુનાવણી શુક્રવારે થશે. સુપ્રીમ કોર્ટ અદાણી ગ્રૂપ વિરુદ્ધ હિંડનબર્ગ રિપોર્ટ સંબંધિત બે જાહેર હિતની અરજીઓ પર સુનાવણી કરી રહી છે. આ મામલે પ્રથમ સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાએ ગત તા.10ના રોજ કરી હતી.
આ દરમિયાન કોર્ટે સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાને ભવિષ્યમાં રોકાણકારોની સુરક્ષા માટે શું પગલાં લઈ શકાય તે અંગે સૂચનો આપવા કહ્યું હતું. કોર્ટે સેબી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને સોમવારે આ મામલે સંપૂર્ણ માહિતી સાથે આવવા જણાવ્યું હતું.
એડવોકેટ એમએલ શર્મા અને વિશાલ તિવારીએ આ પીઆઈએલ દાખલ કરી છે. પિટિશનમાં દાવો કરવામાં આવ્યો છે કે હિંડનબર્ગે શેરનું ટૂંકું વેચાણ કર્યું હતું, જેના કારણે “રોકાણકારોને ભારે નુકસાન” થયું હતું. તિવારીએ કહ્યું કે
હિંડનબર્ગ રિપોર્ટે દેશની છબી ખરાબ કરી છે. તેની અસર અર્થવ્યવસ્થા પર પડી રહી છે. આ દરમિયાન શર્માની અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે અહેવાલ અંગેના મીડિયા પ્રસિદ્ધિએ બજારોને પ્રભાવિત કર્યા હતા અને હિંડનબર્ગના સ્થાપક નાથન એન્ડરસન પણ ભારતીય નિયમનકાર સેબીને તેમના દાવાઓની સાબિતી આપવામાં નિષ્ફળ ગયા હતા.