બેફામ બનેલા વેબ પોર્ટલ્સની સુપ્રીમે કાઢી ઝાટકણી
વેબ પોર્ટલ પર કોઈ જાતનું નિયંત્રણ નથી, જેથી મન પડે તેમ ચલાવાય છે : સુપ્રીમ કોર્ટ
અબતક, નવી દિલ્હી : બેફામ બનેલા વેબ પોર્ટલ્સની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. સુપ્રીમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વેબ પોર્ટલ પર કોઈ જાતનું નિયંત્રણ નથી. જેથી તેને મન પડે તેમ ચલાવવામાં આવે છે. સુપ્રિમના આ નિવેદનથી લાગી રહ્યું છે. યુટ્યુબ અને વેબપોર્ટલ દ્વારા વેચાતા સમાચારો સામે સુપ્રિમની તવાઈ થાય તો નવાઈ નહિ.
કેબલ રૂલ્સ 2021 માં સંશોધન અને ડિજિટલ મીડિયા આઈટી રૂલ્સ 2021ને પડકારતી અરજીઓની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આકરું વલણ અખત્યાર કર્યું છે. આ મામલે સીજેઆઈ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું હતું કે, વેબ પોર્ટલો પર કોઈ નિયંત્રણ નથી અને તેઓ જેમ ફાવે તેમ ચલાવે છે. પોર્ટલ્સની કોઈ જવાબદારી પણ જણાતી નથી. તેઓ સંસ્થાઓ વિશે ખૂબ જ ખરાબ લખે છે. અમારો અનુભવ છે કે તે માત્ર વીઆઈપીનો અવાજ ઉઠાવે છે.
તેમણે કહ્યું કે આજે કોઈ પણ વ્યક્તિ ટીવી ચલાવી શકે છે. યુટ્યુબ પર એક મિનિટમાં કંઈ કેટલુંય બતાવવામાં આવે છે. ચીફ જસ્ટિસે કહ્યું કે, ‘મેં ક્યારેય, ટ્વિટર અને યુટ્યુબ દ્વારા કાર્યવાહી થતાં જોઈ નથી. તેઓ જવાબદાર વલણ ધરાવતા નથી પણ એમ કહે છે કે, તે અમારો અધિકાર અધિકાર છે.’સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, મીડિયાના એક વર્ગ દ્વારા ખબરોને સાંપ્રદાયીક રંગ આપવામાં આવે છે. જેનાથી દેશની છબી ખરડાય છે.
આદાલતે કેન્દ્ર સરકારને પુછ્યું કે શું આ મામલાને નિપટવા માટે તમારી પાસે કોઈ સિસ્ટમ છે? તમારી પાસે ઈલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ માટે તો વ્યવસ્થા છે પરંતુ વેબપોર્ટલ માટે કાંઈ કરવું પડશે. જસ્ટિસ રમનાએ કેન્દ્ર સરકારને સોશિયલ અને ડિજીટલ મીડિયા પર નજર રાખવા માટે બનાવેલા પંચના સ્ટેટસ વિશે પણ સવાલ કર્યા હતા.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ટીવી ચેનલ્સના બે સંગઠન છે પરંતુ આઈટી નિયમો બધાને એક સરખા લાગુ પડે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ તમામ અરજીઓની સુનાવણી હવે છ અઠવાડિયા બાદ થશે. CJI એન. વી. રમાનાની બેન્ચે નિજામુદ્દીન મરકજની તબલીગી જમાતની ઘટના દરમિયાન ખોટા અને એકતરફી સમાચારોની જામીત ઉલેમા-એ-હિન્દ અને પીસ પાર્ટીની અરજી પર સુનાવણી કરી હતી.
અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ટીવી કાર્યક્રમો પર અંકુશ લગાવવા બાબતે કાંઈ ન કરવા બદલ ફટકાર લગાવી હતી. નોંધનીય છે કે, જમીયતે ઉલેમા-એ-હિન્દ, પીસ પાર્ટી, ડીજે હલ્લી ફેડરેશન ઓફ મસ્જિદ મદારિસ, વક્ફ ઈન્સ્ટીટ્યુટ અને અબ્દુલ કુદદ્દુસ લસ્કર તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં મીડિયા રિપોર્ટિંગને એકતરફી અને અલગ ચિત્ર ઉભુ કરનાર ગણાવ્યું હતું.
શેરી-ગલીઓમાં પણ પોર્ટલ ફુલ્યા – ફાલ્યા, ફક્ત મોભા માટે કે ડરાવવા માટે સમાચારનો ધીકતો ધંધો
હવે શેરી- ગલીઓમાં પણ પોર્ટલ ફુલ્યા- ફાલ્યા છે. આ પોર્ટલ એક માત્ર મોભા કે બીજાને ડરાવવાના ઉદ્દેશ સાથે જ ચલાવવામાં આવે છે. વર્તમાન સમયમાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે વેબ પોર્ટલ ચાલુ કરી સમાજને જે મન પડે તે પીરસે છે. સ્થાનિક તંત્ર પણ આનાથી ત્રસ્ત થઈ ગયું છે. પણ વેબ પોર્ટલ અંગે કોઈ નીતિ નિયમો ઘડાયા ન હોય હાથ ઉપર હાથ દઈને બેસી રહેવા સ્થાનિક તંત્ર પણ મજબુર બન્યું છે.
સુપ્રીમના જજે કહ્યું, પોર્ટલ અમારા વિરોધમાં પણ લખે છે!!
આશ્ચર્યની વાત છે કે પોર્ટલ કોર્ટના જજના વિરોધમાં પણ સમાચારો લખીને લોકોને પીરસી રહ્યું છે. આ વાતનો સ્વીકાર ખુદ સુપ્રિમના જજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રિમના જજે એવું પણ કહ્યું છે કે પોર્ટલ વીઆઈપીની હમેશા તરફેણમાં રહે છે. વધુમાં એ પણ સત્ય છે કે પોર્ટલ ચલાવનારો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ગમે તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં સહેજ પણનો વિચાર કરતો નથી.