કોર્ટનો ૨૭મી જુલાઈનો કથીત ચુકાદો મહિલા અધિકારોનું ઉલ્લંઘન કરતો હોવાનું જણાતા સમીક્ષા કરવા વડી અદાલતની તૈયારી
પતિ અને સાસરીયાઓ સામે પત્નીઓ દ્વારા દહેજ વિરોધ કાયદાના થતા દૂરઉપયોગ પર વડી અદાલતે ૨૭મી જુલાઈએ ચિંતા વ્યકત કરી કહ્યું હતું કે, આરોપોની ખરાઈ કર્યા વિના આ પ્રકારની ફરિયાદોમાં ધરપકડ કે આકરા પગલા લેવામાં ન આવે. આ ચુકાદાને પડકારતી જાહેર હિતની અરજીની સુનાવણી કરતી વખતે ગઈકાલે સુપ્રીમે કહ્યું હતું કે, અમે દહેજના કેસોમાં આપોઆપ થતી ધરપકડને અટકાવતા જુલાઈ મહિનાના અમારા ચુકાદાની પુન: સમીક્ષા કરીશું. અમને લાગી રહ્યું છે કે, સુપ્રીમ કોર્ટનો કથીત ચૂકાદો મહિલા અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
વડી અદાલતે ૨૭મી જુલાઈના રોજ આપેલા ચુકાદામાં દહેજના કેસો માટે નવી માર્ગદર્શીકા જાહેર કરી હતી. દહેજના બનાવથી કેસોની સમસ્યાના ઉકેલ માટે સુપ્રીમ કોર્ટે સ્થાનિક પોલીસ દ્વારા પતિ અને સાસરીયાની ધરપકડ કરવામાં આવે તે પહેલા દહેજ ઉતપીડનના આરોપોની ચકાસણી કરવા દેશના દરેક જિલ્લામાં એક સમીતીની રચના કરવા આદેશ આપ્યો હતો.
બીજી તરફ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશના વડપણ હેઠળની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે કહ્યું કે, વડી અદાલત દ્વારા જ નક્કી કરાયેલી માર્ગદર્શીકા સાથે અમે સંમત નથી. સુપ્રીમ કોર્ટના ૨૭ જુલાઈના ચુકાદાથી મિશ્ર પ્રત્યાઘાતો પડયા હતા. પુરુષ અને મહિલા અધિકાર કાર્યકર્તાઓ વચ્ચે ચર્ચા છેડાઈ ગઈ હતી. ચુકાદાને પગલે દહેજ વિરોધી લડાઈ નબળી પડશે તેવી દલીલો પણ થઈ હતી.
જો કે ગઈકાલે પોતાનો જ દહેજ કેસોનો ચુકાદો મહિલા વિરોધી ગણાવી સુપ્રીમ કોર્ટે આ મામલે પુન: સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. પરિણામે ગત ચુકાદામાં થયેલો ભૂલો અંગે ફેર વિચારણા થશે. ચુકાદો મહિલાઓના અધિકારોનું હનન ન કરે તે મુજબનું રહેશે.