સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને દિલ્હીને ઓક્સિજન સપ્લાય અંગે ચેતવણી આપતા કહ્યું છે કે, ‘અમને કડક નિર્ણય લેવા માટે મજબુર ના કરો.’ દિલ્હી સરકાર વતી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટના આદેશ બાદ પણ દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય સંપૂર્ણ રીતે મળતી નથી. આ બાબત અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘દરરોજ દિલ્હીને 700 મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાય કરવામાં આવે. જ્યાં સુધી આ ઓર્ડરની સમીક્ષા નહીં થાય ત્યાં સુધી નિયમિત પણે આ સપ્લાય ચાલુ રાખવી પડશે.’
ખંડપીઠે કોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે, “અમને કોઈ કડક નિર્ણય લેવા મજબુર ન કરો. તમારા અધિકારીઓને દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરવા આદેશ આપો.’ ગુરુવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને દિલ્હીમાં કોરોના દર્દીઓની જરૂરિયાત પૂરી કરવા માટે દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાયની ખાતરી કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, “જો છુપાવવા માટે કંઈ નથી, તો સરકારે આગળ આવીને દેશને કહેવું જોઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા ઓક્સિજન કેવી રીતે ફાળવવામાં આવે છે.”
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પાસે દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે, ‘જો દિલ્હીને દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજન મળે છે, તો તે સુનિશ્ચિત કરશે કે રાજધાનીમાં ઓક્સિજનના અભાવને કારણે કોઈ દર્દીનું મોત નહીં થાય. જો અમને ઓક્સિજનનો પુરતો પુરવઠો મળે, તો અમે દિલ્હીમાં 9,000 થી 9,500 બેડની વ્યવસ્થા કરી શકીશું. હું તમને ખાતરી આપું છું કે 700 મેટ્રિક ટન સપ્લાયને લીધે દિલ્હીમાં કોઈ પણ ઓક્સિજનના અભાવને કારણે મૃત્યુ પામશે નહીં.’