મૃતક પીડિતાના પુત્ર સાથે સમાધાન કરવાથી જામીન મંજુર કરવા સામે કેટલાક શંકાસ્પદ સવાલો ઉભા કર્યાનું સુપ્રીમ કોર્ટની કડક આલોચના
ગુજરાત હાઇકોર્ટના દુષ્કર્મ પિડીતાને સમયસર ન્યાય આપવામાં કરેલા બીન જરુરી વિલંબના કેસ સુપ્રીમ કોર્ટ દ્વારા કરેલી આકરી ટીકા બાદ વધુ એક હત્યા કેસમાં હાઇકોર્ટ દ્વારા અપાયેલા જામીન બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા આકરા શબ્દોમાં ઝાટકણી કરી હત્યા કેસના આરોપીના જામીન નામંજુર કર્યા હતા એટલું જ નહી હાઇકોર્ટ દ્વારા હત્યા કેસના જામીન અરજીના ચુકાદામાં રહેલી ક્ષતિ અંગે ગૃહ સચિવનું ધ્યાન દોરવા ચુકાદાની નકલ સરકારને મોકલવા હુકમ કરતો ઐતિહાસીક ચુકાદો આપ્યો છે.
હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી અને મૃતકના પુત્ર વચ્ચે સમાધાન થયાનું હાઇકોર્ટમાં રજુ કરી કરાયેલી જામીન અરજી સિંગલ જજ દ્વારા જામીન મંજુર કરવામાં આવી હતી. એટલુ જ નહી ગુજરાત હાઇકોર્ટના આ શંકાસ્પદ ચુકાદાને રાજય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી ન હતી. ત્યારે હત્યા કેસમાં મૃતકની સાથે ઘવાયેલા વ્યક્તિ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી જામીન રદ કરવા અંગે દાદ માગવામાં આવી હતી.
હત્યા કેસમાં હાઇકોર્ટ દ્વારા જામીન મંજુર કરવાના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં દાદ માગવામાં આવતા સુપ્રીમ કોર્ટના જસ્ટીશ હીમા કોહલી અને રાજેન બિંદલની ડિવિઝન બેન્ચ દ્વારા હાઇકોર્ટના આ ચુકાદ સામે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યુ હતું. હત્યા જેવા ગંભીર ગુનામાં મૃતકનો પુત્ર દ્વારા આરોપી સાથે સમાધાન કરવામાં આવ્યું એટલે તેને રાહત આપવી જરુરી ન હોવાનું ઠરાવી હાઇકોર્ટના ચુકાદાની આકરી ટીકા કરી જામીન નામંજુર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવી રાજય સરકાર દ્વારા પણ કેમ જામીન નામંજુર કરવા કોઇ કાર્યવાહી ન કરી તેવો સવાલ કરી સુપ્રીમ કોર્ટ દ્વારા કડક આલોચના સાથેના ચુકાદાની એક નકલ રાજયના ગૃહ સચિવને મોકલવા હુકમ કર્યો છે.
તાજેતરમાં જ દુષ્કર્મની પિડીતાએ પોતાના ગર્ભપાત અંગે હાઇકોર્ટમાં દાદ માગી ત્યારે પિડીતાની દર્દભરી રજુઆત સમયસર સાંભળવાના બદલે મુદત આપવાનો ગુજરાત હાઇકોર્ટના હુકમ અંગે પણ સમગ્ર ન્યાયપાલિકામાં ચર્ચાનો વિષય બન્યા બાદ ફરી હાઇકોર્ટ દ્વારા હત્યા કેસમાં જામીન મંજુર કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આકરી ઝાટકણી કાઢવામાં આવી છે. અને રાજય સરકારને પણ ગુનાની ગંભીરતા અંગે સરકાર પક્ષે અપીલ દાખલ કેમ ન કરી તેવો સવાલ કરવામાં આવ્યો છે. હત્યા કેસના આરોપીના જામીન નામંજુર કરી આરોપીએ તાત્કાલિક ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવા સુપ્રીમ કોર્ટ દ્વરા હુકમ કરવામાં આવ્યો છે.