• મફત આપવાની જાહેરાતો અટકાવવા ચૂંટણી પંચ, રિઝર્વ બેન્ક, સત્તાધારી પક્ષ અને વિપક્ષ પાસેથી સુપ્રીમે સૂચનો માંગ્યા
  • કેન્દ્ર સરકારને પણ અન્ય પક્ષો દ્વારા વેચાતી મફતની રેવડી બંધ કરાવવા કોર્ટે કહ્યું

દેશના અર્થતંત્ર માટે ઘાતક બનેલા રેવડી કલ્ચર સામે સુપ્રીમે નારાજગી દર્શાવીને આવી પ્રવૃત્તિ બંધ કરાવવા ટકોર કરી છે. આ સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા મફત આપવાની જાહેરાતો અટકાવવા ચૂંટણી પંચ, રિઝર્વ બેન્ક, સતાધારી પક્ષ અને વિપક્ષ પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા કરવામાં આવનાર મફત યોજનાઓના વાયદાઓને લઈને સુપ્રીમ કોર્ટે બુધવારે મહત્વની ટિપ્પણી કરી હતી.  સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન ’ફ્રી રેવડી’ના વિતરણના વચનો ગંભીર આર્થિક સમસ્યા ઊભી કરે છે.  આ સમસ્યાનો સામનો કરવા માટે એક કમિટીની જરૂર છે.  સુપ્રીમ કોર્ટે આ મામલે કોંગ્રેસ નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની સાથે ચૂંટણી પંચ અને સરકાર પાસેથી સૂચનો માંગ્યા છે.

ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ કૃષ્ણા મુરારી અને હિમા કોહલીની ખંડપીઠે કહ્યું કે નીતિ આયોગ, નાણાપંચ, શાસક અને વિપક્ષી પક્ષો, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા અને અન્ય સંસ્થાઓએ પણ આ મામલે સૂચનો આપવા જોઈએ કે આને કેવી રીતે રોકી શકાય?

સાત દિવસમાં સૂચનો મંગાવ્યા

સુપ્રીમ કોર્ટે સાત દિવસમાં નિષ્ણાત કમિટીની રચના કરવા માટે સૂચનો માંગ્યા છે.  કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચ તેમજ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલ અને અરજદારોને તેમના સૂચનો વહેલામાં વહેલી તકે આપવા જણાવ્યું છે જેથી આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે એક નિષ્ણાત સંસ્થાની રચના કરી શકાય.

કેન્દ્રએ પણ રેવડી કલ્ચરનો કર્યો વિરોધ

કેન્દ્ર સરકાર વતી કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મફત યોજનાઓના ચૂંટણી વચનો સામે દાખલ કરાયેલી અરજીઓને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે તેનાથી અર્થતંત્રને મોટું નુકસાન થઈ રહ્યું છે.  લોકોને આકર્ષિત કરવાના આ વચનો માત્ર મતદારોને જ નહીં પરંતુ અર્થવ્યવસ્થા પર પણ ખરાબ અસર કરે છે.

રાજકીય પક્ષો મફત યોજનાઓનું વચન આપીને પોતાનો લાભ લ્યે છે

સિજેઇઆઈ એન.વી. રમણાએ કહ્યું, હું કોઈ એક પક્ષનું નામ લેવા માંગતો નથી. તમામ પક્ષો મફત યોજનાઓનું વચન આપીને લાભ લે છે. સુપ્રીમ કોર્ટ એક અરજી પર સુનાવણી કરી રહી હતી

જેમાં માંગ કરવામાં આવી હતી કે મફતની રેવડી આપનાર રાજકીય પક્ષોના માર્ક્સ ફ્રીઝ કરવામાં આવે અને તે પક્ષોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે.

ફાયદો રાજકીય પાર્ટીને થાય છે, બોજ પ્રજા પર આવે છે

રાજકીય પક્ષો મુક્ત રાજનીતિ કરીને સરકાર બનાવે છે, પરંતુ મફતના વચનો પૂરા કરવા માટે રાજ્ય સરકારો લોન લે છે, જેના કારણે ઘણા રાજ્યોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. જેનું પરિણામ

અંતે ભોગવવું તો પ્રજાને જ પડે છે.  આમ રાજકીય પક્ષો પોતાના ફાયદા માટે પ્રજા ઉપરનો બોજ વધારી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.