૧લી ફેબ્રુઆરીએ સુનાવણી થતા ખાનગી શાળા સંચાલકોએ રાહતનો શ્ર્વાસ લીધો
ખાનગી શાળાઓની બેફામ લૂંટને નિયંત્રિત કરવા તેમજ વાલીઓની અસમંજસ દૂર કરવા અંગે ગુજરાત સરકારે ફી નિર્ધારણ મુદ્દે હાઈકોર્ટે સ્કૂલ સંચાલકોને રાહત ન આપી સરકારની તરફેણમાં ચુકાદો આપ્યા બાદ રાજયના ખાનગી સ્કૂલ સંચાલકોએ હાઈકોર્ટના ઓર્ડર સામે સુપ્રીમમાં પીટીશન કરે છે જેમાં આજે હાથ ધરાયેલી સુનાવણીમાં સુપ્રીમે હજુ હાઈકોર્ટના ઓર્ડર પર કોઈ સ્ટે આપ્યો નથી. પરંતુ ૧લી સુધી સ્કૂલ સંચાલકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. માટે હવે ૧લી ફેબ્રુઆરી સુધી સ્કૂલ સંચાલકો ફી નિર્ધારણ કમીટી દરખાસ્ત કરી શકશે નહી.
ગુજરાત સરકારના સ્કૂલ ફી નિર્ધારણના કાયદા સામે રાજ્યની ૨૦૦૦થી પણ વધુ મોટી ખાનગી સ્કૂલોએ ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરી હતી. જેમાં હાઈકોર્ટે સ્કુલ સંચાલકોને રાહત ન આપતા કાયદાને બંધારણીય ગણાવ્યો હતો અને સ્કૂલોને ૨૧ દિવસમાં ફી નિર્ધારણ કમીટીમાં દરખાસ્ત કરવાનો આદેશ કર્યો હતો.
જો કે હાઈકોર્ટના આદેશ છતાં પણ હજુ સુધી અમદાવાદ ઝોનમાં મોટી સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડની ખાનગી સ્કૂલોએ હજુ દરખાસ્ત કરી નથી. જો કે સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડની ખાનગી સ્કૂલોનું કહેવું છે કે તેઓ કેન્દ્ર સરકારના નિર્ધારણ અંતર્ગત સંચાલિત છે માટે રાજય સરકારના નિયમોને તેઓ માનશે નહીં પરંતુ બાદમાં સરકારે ચુકાદો કર્યો હતો કે રાજયની દરેક સ્કૂલો માટે નિયમો સરખા જ રહેશે.
ખાનગી શાળાઓમાં ફી નિર્ધારણ અંગે શાળા સંચાલકોએ નારાજગી જતાવી છે. ત્યારે અમદાવાદની એક ખાનગી શાળા તરફથી વાલીઓને ખુલ્લા પત્રો મોકલવામાં આવ્યા છે. જેમાં લખ્યું છે કે જો ફી નિર્ધારણ થશે અને ફી ઘટશે તો સ્કૂલની સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે. જેનો શિકાર સુવિધાથી વંચિત બાળકો બનશે. આ રીતે તેમણે વાલીઓને ધમકાવ્યા હતા. ત્યારે હાલ સુપ્રીમે વચગાળાનો હુકમ આપતા સરકારને આગામી સુનાવણી સુધી ફી નિર્ધારણ કાયદા અંતર્ગત કોઈ પણ પગલા ન લેવા અને કડક કાર્યવાહી ન કરવા આદેશ કર્યો છે. સુપ્રીમે હાઈકોર્ટના ઓર્ડરને ચાલુ રાખ્યો છે અને જે સ્કૂલોએ દરખાસ્ત કરી દીધી છે તેના પર પ્રક્રિયા ચાલુ રાખવા માટે પણ આદેશ આપ્યો છે. જયારે જે સ્કૂલોએ દરખાસ્ત નથી કરી તે સ્કૂલોને હાલ પુરતી સુપ્રીમ તરફથી રાહત મળી છે ત્યારે સુપ્રીમે ૧લી ફેબ્રુઆરીએ આ કેસમાં વધુ સુનાવણી રાખી છે.
આ અંગે રાજય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, સુપ્રીમમાં આજની સુનાવણીમાં સુપ્રીમે ઓરલી ઓર્ડર આપતા સ્કૂલોને ફી દરખાસ્ત કરવાની મુદત બે સપ્તાહ માટે વધારી આપી છે. રસપ્રદ વાત તો એ છે કે ખાનગી સ્કૂલ સંચાલકોની દાનત ફી નિર્ધારણ કરવાની નથી ત્યારે સુપ્રીમે હાલ પુરતી થોડા દિવસ માટે તેમને રાહત આપી છે પરંતુ હાઈકોર્ટના ઓર્ડર સામે સ્ટે ન આપતા સંચાલકોએ દરખાસ્તો કરવી જ પડશે. રાજય સરકારે સ્કૂલોની ફી ૧૫ હજાર, ૨૫ હજાર અને ૨૭ હજારના સ્લેબમાં નકકી કરી છે.
વધારાની પ્રવૃતિ માટે જો ફી લેવી હોય તો શાળાઓએ ફી નિર્ધારણ સમીતી સમક્ષ મંજૂરી લેવાની રહે તેમ ઠરાવ્યું હતું. રાજયની ૨૫૦૦ સ્કૂલોએ આ કાયદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે સરકારનો કાયદો બંધારણીય રીતે યોગ્ય ઠેરવ્યો છે. જો કે ફેબ્રુઆરીમાં ફી ભરવી પડશે કે નહીં આ અંગે સુપ્રીમ કોર્ટે કોઈ પણ સ્પષ્ટતા કરી નથી. જો કે શાળા સંચાલકો ઈચ્છે છે કે તેમને ફેબ્રુઆરીમાં વાલીઓ પાસેથી ફી મળી રહે. સુપ્રીમના આદેશે સ્પષ્ટ કર્યું હતું કે જો સંચાલકો ફી નિર્ધારણ કમીટી સમક્ષ ગયા હોય તો તેમની કાર્યવાહી ચાલુ રાખી શકે છે. જો કે સ્કૂલ સંચાલકો એફઆરસી સમક્ષ ન જાય તો તેમની સામે કોઈ વિરુધ્ધના પગલા લઈ શકાશે નહીં.
રાજય સરકારનો મુખ્ય લક્ષ્યાંક ખાનગી શાળાઓ સહિત કેન્દ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્કૂલોની ફીને પણ નિર્ધારીત કરવાનો છે. આ ઉપરાંત લઘુમતી સંસ્થાનો ધર્મ અને સમુદાયથી ચાલતી સંસ્થાઓમાં પણ આ નિયમો લાગુ પડશે. ત્યારે રાજય સરકાર શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે હજુ સરકારના નિયમોને સ્ટે આપ્યો નથી. જો કે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ મામલો રાજકારણમાં લાવવામાં આવ્યો છે. જેમાં સામે આવ્યું છે કે કોંગ્રેસ તેમજ તેના લીડરો વાલીઓને છેતરી રહ્યાં છે. જો કે આ મામલે ફી નિર્ધારણ ન ઈચ્છતી સ્કૂલોએ રાહતનો શ્ર્વાસ લીધે છે.