ભાજપ નેતા અને વકીલ અશ્વિની ઉ૫ાઘ્યાય દ્વારા દાખલ કરાયેલી અરજી પર ૪ ડીસેમ્બરે થશે સુનાવણી
દાગી નેતાઓ પર ચાલતા કેસોની ઝડપી કાર્યવાહી માટે વિશેષ કોર્ટની સ્થાપના કરવા અરજીમાં માંગ
ગુનાહિત રાજકારણીઓને ચુંટણીમાં ઉભા રહેવા દેવા કે કેમ? તે મુદ્દે છેલ્લા ઘણાં સમયથી ચર્ચા થઇ રહી છે અને સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી હાથ ધરાઇ હતી જેમાં કોર્ટે જણાવ્યું હતું કે દાગી નેતાઓ પર ચુંટણી લડવા પર પ્રતિબંધ મુકી ન શકાય કારણ કે આ કામ સંસદનું છે.
અને આ માટે સરકારે કાયદો ઘડવો જોઇએ. સુપ્રીમના આ ચુકાદા બાદ દાગી નેતાઓ વિરુઘ્ધ વધુ એક અરજી દાખલ થઇ છે જેમાં માંગ કરવામાં આવી છે કે ગુનાહીત રાજકારણીઓ ઉપર ચુંટણી લડવાથી આજીવન પ્રતિબંધ મુકાય.
ભાજપ નેતા અને વકીલ અશ્વિની ઉ૫ાઘ્યાય દ્વારા દાખલ કરાયેલી આ અરજીની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. અને આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. અગાઉ સુપ્રીમે દાગી રાજકારણીઓ ઉપર પ્રતિબંધ ન મુકવાનો નિર્ણય કર્યો હતો પરંતુ હવે આજીવન પ્રતિબંધની આ અરજીની સુનાવણી માટેનો સ્વીકાર કરતા લાગી રહ્યું છે કે, અગાઉના ચુકાદાની ફેર વિચારણા થશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, રાજકારણીઓ પર ચાલતા ગુનાહીત કેસોની જલદીથી સુનાવણી થાય અને વિશેષ કોર્ટની રચના કરવામાં આવે તેવી પણ માંગ કરતી એક અરજી દાખલ થઇ છે અને આ અરજીને નજર અંદાજ કરી શકાય નહી. દાગી રાજકારણીઓ ઉપર ચુંટણી લડવાથી આજીવન પ્રતિબંધ મુકવા પરની અરજી પર સુપ્રીમ ભાર મુકશે.
વકીલ ઉપાઘ્યાયે અરજીમાં જણાવ્યું છે કે, જો કોઇ નેતા પર ચાલતો ગુનાહીત કેસ સાબિત થઇ જાય તો તેને ચુંટણી લડવાથી જીવનભર દુર રાખવામાં આવે. જો સરકારી અધિકારીને સજા થાય તો તેની નોકરી જીંદગીભર માટે ખત્મ થઇ જાય છે. તો પછી નેતાઓને માટે આ કાર્યવાહી કેમ નહિ?