ગુનેગારોને સાચી સજા ફક્ત જેલ?
જામીન આપ્યા બાદ આરોપીઓ સારી રીતે જીવનનિર્વાણ કરી શકે તે માટે મદદ કરવા લોકલ ઓથયોરીટીને તાકીદ કરાઈ: માત્ર જેલની સજા નહીં પરંતુ કેદીને સુધારવા તરફ કોર્ટનું પગલું
ભારતમાં લોકોના જીવનની સાથો સાથ સમાજ વ્યવસથા ઉપર ફિલ્મોની અસર મોટા પ્રમાણમાં જોવા મળે છે. સમાજ વ્યવસથાનું પ્રતિબિંબ પણ ફિલ્મો પર પડતું હોય છે. જો કે, તાજેતરમાં વડી અદાલતે લીધેલા એક નિર્ણયથી ફિલ્મોની અસર ન્યાયતંત્ર અને તેના નિર્ણયો ઉપર કેવી રીતે પડે તેનું ઉદાહરણ સામે આવ્યું છે. વડી અદાલતે ગુજરાત રમખાણના જન્મટીપના કેદીઓને સામાજિક અને ધાર્મિક સેવા કરાવવાની શરતે જામીન આપી છે. આ નિર્ણય વર્ષો પહેલા ૧૯૭૧માં આવેલી દુશ્મન ફિલ્મમાં કોર્ટે આપેલા ચુકાદા જેવો છે. આ ફિલ્મમાં અભિનેતા રાજેશ ખન્ના દારૂ પીને વાહન હડફેટે એક વ્યક્તિનું મોત નિપજાવે છે. ત્યારબાદ કોર્ટ આ ગુનામાં રાજેશ ખન્નાને મૃતકના પરિવાર સાથે રહેવાની સજા ફટકારે છે. પરિવારને સાચવવાની જવાબદારી રાજેશ ખન્નાના શિરે થોપવામાં આવે છે. આ સજા ભોગવતી વખતે રાજેશ ખન્ના તે ગામ કે શહેર છોડી ભાગી શકતો નથી. આ યાદગાર ફિલ્મમાં કોર્ટે આપેલા ચુકાદાની અસર તાજેતરનાં ચુકાદા પર જોવા મળી છે.
વડી અદાલતે ગઈકાલે અમદાવાદના આણંદ જિલ્લામાં કોમી રમખાણોમાં ૨૩ના મોત બદલ જન્મટીપની સજા કાપી રહેલા ૧૪ કેદીઓને જામીન આપ્યા હતા. આ કેદીઓ અગાઉ ભૂતકાળમાં ક્યારેય કોઈ ગંભીર ગુનાહિત પ્રવૃતિમાં જોડાયેલા ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય ન્યાયધીશ બોબડે એ ન્યાયતંત્રના ઈતિહાસમાં માઈલ સ્ટોન ગણી શકાય તેવો ચુકાદો આપ્યો હતો. કોર્ટે ૧૪ કેદીઓને બે સમુહમાં વેંચયા હતા અને ત્યારબાદ એક સમૂહને ઈન્દોર અને બીજાને જબલપુર મોકલવામાં આવ્યું હતું. જ્યાં તેમને સામાજિક અને ધાર્મિક સેવા કરવા જણાવાયું હતું. પરવાના વગર આ વ્યક્તિઓ ઈન્દોર કે જબલપુર છોડી જઈ શકશે નહીં. આ ઉપરાંત ઈન્દોર અને જબલપુરના ન્યાયતંત્રને પણ આ વ્યક્તિને રોજગારી મળી રહે તે માટે મદદ કરવાની તાકીદ વડી અદાલતે કરી હતી.
અહીં નોંધનીય છે કે, આણંદના ઓડમાં ૨૩ લોકોના રમખાણોમાં મોત નિપજયા હતા. આ કેસમાં ૧૪ શખસોની ધરપકડ થઈ હતી. ગુજરાત હાઈકોર્ટે આ શખસોને સજા ફટકારી હતી. જન્મટીપના ગુનામાં ચુકાદો વર્ષોથી પેન્ડીંગ હોવાથી આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. વડી અદાલતમાં આ અરજી ૨૦૧૮થી પેન્ડીંગ હતી. આ કેસમાં સાત-સાત વર્ષીથી જેલની સજા કાપી રહ્યાં હતા. દરમિયાન મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે, બી.વાય.ગવાઈ અને ન્યાયધીશ સૂર્યકાન્ત દ્વારા આ મુદ્દે ચુકાદો આપવામાં આવ્યો છે.
અહીં નોંધનીય છે કે, ભારતીય સમાજ શૈલીની અસર જેમ ફિલ્મો પર પડે છે તેવી જ રીતે ફિલ્મોની અસર પણ ભારતીય સમાજ વ્યવસથા પર પડતી હોવાનું અનેક વખત સામે આવી ચૂકયું છે. વર્ષો પહેલા આવેલી શ્રી ૪૨૦ જેવી ફિલ્મોમાં મુખ્ય અભિનેતા રાજકપુરે કરેલા કારસ્તાન આજે પણ કેટલાક સ્થળે રોકાણકારો સાથે છેતરપિંડીમાં થતાં હોય છે. આવી રીતે અનેક ફિલ્મોના નકારાત્મક પાસા પરથી ગુના આચરવામાં પ્રોત્સાહન ગુનેગારોને મળતું હોય છે કે જો કે ઉજળા પાસા પરથી સમાજને નવા રાહ ચિંધવામાં પણ આવે છે.