કસ્ટડીની જરૂર નહીં હોવા છતાં ન્યાયધીશે જામીન આપવાનો કર્યો હતો ઇન્કાર
સુપ્રીમ કોર્ટએ જામીનને લગતા અનેક ચુકાદાઓ આપ્યા છે જેમાં જરૂરિયાત ન હોય તો આરોપીને જામીન આપવાનો ઇન્કાર ન કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, સાત વર્ષની નીચેની સજાની જોગવાઈ હોય તેવા જામીનપાત્ર ગુન્હામાં અદાલતે જામીન આપવાનું વલણ રાખવું જોઈએ. સુપ્રીમના આદેશનું પાલન નહીં કરવા બદલ સુપ્રીમ કોર્ટે એક સેશન્સ જજને જ્યુડીશિયલ એકેડમી મોકલવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે મંગળવારે અલ્હાબાદ હાઈકોર્ટને સેશન્સ જજ પાસેથી ન્યાયિક કાર્ય પાછું ખેંચવા અને તેમની કુશળતાને અપગ્રેડ કરવા માટે ન્યાયિક અકાદમીમાં મોકલવા જણાવ્યું હતું. સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓ તેમના અભિગમમાં ઉદારતા હોવા છતાં અને નિયમિત અને યાંત્રિક રીતે અટકાયતનો આદેશ પસાર ન કરવા છતાં કસ્ટડીની જરૂર ન હોય તેવા કેસોમાં ટ્રાયલ કોર્ટોએ આરોપીઓને જામીન આપવા માટે અનિચ્છા દર્શાવવાનું ચાલુ રાખતા સુપ્રીમે દાખલારૂપ કાર્યવાહી કરી છે.
21 માર્ચના રોજ સર્વોચ્ચ અદાલતની સ્પષ્ટ ચેતવણી હોવા છતાં કે તેના આદેશનું પાલન ન થવાના કિસ્સામાં મેજિસ્ટ્રેટનું ન્યાયિક કાર્ય પાછું ખેંચી લેવામાં આવશે અને તેને તાલીમ માટે ન્યાયિક એકેડેમીમાં મોકલવામાં આવશે. ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલની બેન્ચ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો હતો.
વરિષ્ઠ એડવોકેટ સિદ્ધાર્થ લુથરા કે જેઓ કોર્ટને એમિકસ ક્યુરી તરીકે મદદ કરી રહ્યા છે, તેમણે એપ્રિલમાં પસાર કરાયેલા બે આદેશો કોર્ટના નોટિસમાં લાવ્યા જેમાં જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. વૈવાહિક વિવાદના એક કેસમાં લખનૌના સેશન્સ જજે એક પુરુષ અને તેની માતા, પિતા અને ભાઈની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી તેમ છતાં તપાસ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી ન હતી. અન્ય એક કેસમાં ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે કેન્સરથી પીડિત આરોપીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.
ત્યારે નિરાશા વ્યક્ત કરતાં બેન્ચે કહ્યું હતું કે, ન્યાયિક અધિકારીઓ દ્વારા મોટી સંખ્યામાં આદેશો આપવામાં આવ્યા છે જે અમારા આદેશને અનુરૂપ નથી.
બેન્ચે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, આ કોર્ટ દ્વારા આપવામાં આવેલો ચુકાદો એ જામીનનો કાયદો છે અને તેનું પાલન કરવું જરૂરી છે. તેનું પાલન ન કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. ઉત્તર પ્રદેશમાં સ્થિતિ ચિંતાજનક છે. 10 મહિના પહેલા ચુકાદો આપવામાં આવ્યો હોવા છતાં ઘણા કિસ્સાઓમાં અનુસરવામાં આવ્યું હતું.
21 માર્ચે અમારા છેલ્લા આદેશ પછી પણ લખનૌની એક અદાલત દ્વારા અમારા આદેશના સંપૂર્ણ ભંગ સમાન આદેશ આપવામાં આવ્યો હતો. અમે આ આદેશને અલ્હાબાદ હાઈકોર્ટના ધ્યાન પર લાવીએ છીએ. જેમાં હાઈકોર્ટે પગલાં લેવાની જરૂર હતી. લોકશાહીમાં પોલીસરાજ માટે કોઈ સ્થાન નથી, જ્યાં તપાસ એજન્સીઓ બિનજરૂરી અને યાંત્રિક રીતે લોકોની ધરપકડ કરી શકે છે તે અવલોકન કરીને સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે જુલાઈમાં એજન્સીઓ પર અંકુશ મૂકવા માટે ઘણા નિર્દેશો આપ્યા હતા. સાત વર્ષથી નીચેની સજાને પાત્ર હોય તેવા જામીનપાત્ર ગુન્હામાં કસ્ટડીની જરૂર ન હોય તો પણ જામીન આપવાનો ઇન્કાર કરવો તે સુપ્રીમના આદેશથી ઉપરવટ જવા સમાન છે.