કોરોના મહામારીને પગલે લોન વ્યાજ માફીની માગને ગેરવ્યાજબી ઠેરવાઈ, સરકાર કે રિઝર્વ બેંકને વ્યાજ માફી માટે દબાણ ન જ કરી શકાય: લીધેલી લોનનું વ્યાજ માફીપાત્ર નથી
સુપ્રીમ કોર્ટે મંગળવારે લોન મોરટોરિયમ મામલે પોતાનો બહુપ્રતીક્ષિત ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે લોન મોરટોરિયમની મુદતનું વ્યાજને પૂર્ણ રીતે માફ કરવાનો આદેશ આપી શકાય નહીં. જસ્ટિસ એમ.આર. શાહે ચુકાદો સંભળાવતા કહ્યું કે, પૂર્ણ વ્યાજને માફ કરવું શક્ય નથી કારણ કે, આ નિર્ણયની અસર ડિપોજિટર્સ જમા કરનારાઓ પર પણ પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આરબીઆઈ અને કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલા બાદ એમ કહી શકાય નહીં કે તેઓએ બોરોઅર્સની સમસ્યાઓનું સમાધાન કર્યું નથી.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં મુખ્યત્વે આ બાબતો જણાવી છે
•જસ્ટિસ એમ.આર. શાહે લોન મોરેટોરિયમ કેસ અંગે પોતાનો ચુકાદો આપતાં કહ્યું કે, આ મામલે કોઈ પણ પ્રકારનો આદેશ (રિટ ઓફ મોન્ડેમસ) જારી કરી શકાતી નથી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે આ મામલે નિર્ણય લેવો પડશે.
•જસ્ટિસ શાહે કહ્યું છે કે, કોર્ટ વેપાર અને વાણિજ્ય સંબંધિત શૈક્ષણિક બાબતો પર ચર્ચા કરશે નહીં. અમે આ નિર્ણય કરી શકતા નથી કે,પબ્લિક પોલિસી વધુ સારી હોઇ શકે. આ મુદ્દાને ઉકેલવા માટે સરકારની પોતાની મર્યાદાઓ છે.
•જસ્ટિસ શાહના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટે આ કેસમાં સંબંધિત પક્ષકારોની સુનાવણી કરી છે અને આ મામલે ન્યાયિક સમીક્ષાની કોઈ અવકાશ નથી.
•સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, એકાઉન્ટહોલ્ડર્સથી જમા કરનારાઓ અને પેન્શનરોને વ્યાજ ચૂકવવું પડતું હોવાથી સંપૂર્ણપણે વ્યાજ માફ કરવું શક્ય નથી.
સુપ્રીમ કોર્ટે સરકાર અને આરબીઆઈની લોન મોરટોરિયમ પોલિસીમાં કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ નકારી હતી. આ સાથે તેમણે લોન મોરટેરિયમની મુદત છ મહિનાથી વધારવાની ના પાડી દીધી.
મોરેટોરીયમ પીરીયડની લોનનું વ્યાજ માફ થાય તો બેંકોને 6 લાખ કરોડનો ધુંબો લાગે
કોરોના મહામારીમાં ધંધા-ઉદ્યોગ બંધ રહ્યાં દરમિયાન બેંકોની લોનના હપ્તા અને વ્યાજ માફીનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટેમાં સરકારે પોતાનો પક્ષ રજૂ કરી જણાવ્યું હતું કે, જો મોરેટોરીયમ લોનના પીરીયડમાં વ્યાજ માફીનો નિર્ણય લેવામાં આવે તો બેંકો પર 6 લાખ કરોડનો બોજ વધી જાય અને બેંકોની મુડી આ રકમમાં ધોવાય જાય. જો કે, સુપ્રીમ કોર્ટમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ જવા પામી છે કે વ્યાજ ઉપરાંતની ચક્રવૃદ્ધિ વ્યાજ કે વધારે રકમ વસુલ્યાનું જાણમાં આવશે તો આ રકમ રિફંડ તરીકે આપવી પડશે. જો તરલ મુડીની અછત હોય તો આવી વધારાની રકમ લોનમાં એડજસ્ટ કરી દેવાશે.