જેઈઇ મેઈનની ૧ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન અને નીટની ૧૩મી સપ્ટેમ્બરનાં રોજ પરીક્ષા યોજાશે: ૨૦ લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે
સુપ્રીમ કોર્ટે NEET-JEEની પરીક્ષાઓનાં આયોજન વિરુઘ્ધ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. તેની સાથે જ પરીક્ષા આયોજનને લીલીઝંડી પણ આપવામાં આવી છે. જસ્ટીસ અણ મિશ્રાની ખંડપીઠે મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ અને એન્જીનીયરીંગની પ્રવેશ પરીક્ષા જેઈઇ મેઈન્સને સ્થગિત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. પરીક્ષાના આયોજનનાં વિરોધમાં ૧૧ રાજયનાં વિદ્યાર્થીઓએ પરીક્ષા ન યોજવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જોકે સુપ્રીમ કોર્ટે આજરોજ આ પરીક્ષા લેવા લીલીઝંડી આપી છે અને અરજીને ફગાવી દીધી છે. સાથો સાથ તેઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનું વર્ષ બગાડી ન શકાય.
ઉલ્લેખનીય છે કે, મેડિકલ અને એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવવાની નીટ અને જેઈઈ મેઈન્સની પરીક્ષા કોરોનાની મહામારી વચ્ચે મોડી યોજાવા જઈ રહી છે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ પરિસ્થિતિને ધ્યાને લઈ આ પરીક્ષાઓ ન યોજવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જોકે આજરોજ સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે અને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીઓનાં ભવિષ્યનો સવાલ છે. તેને દાવ પર ન લગાવી શકાય. પરીક્ષા સમયસર જ યોજવામાં આવશે.
આ વખતે નીટ અને જેઈઈ મેઈન્સ બંને પરીક્ષાઓ માટે ૨૦ લાખથી વધુ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે જેઈઈ મેઈન્સની પરીક્ષા ૧ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન અને નીટની પરીક્ષા ૧૩મી સપ્ટેમ્બરનાં રોજ યોજવામાં આવશે. આ બંને પરીક્ષાઓ માટે લાખો ઉમેદવારો એડમીટ કાર્ડની રાહ જોઈ રહ્યા છે. આ પહેલા નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આ બંને પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક એપ્લીકેશન પણ બહાર પાડી છે જેમાં સંપૂર્ણ પ્રશ્ર્નપત્ર ઉપલબ્ધ છે.