21 જાન્યુઆરી, 2008ના રોજ મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી
સર્વોચ્ચ અદાલતે બુધવારે ગેંગરેપ કેસમાં ગુજરાત સરકાર દ્વારા 11 દોષિતોને સજાની માફીને પડકારતી અરજી પર સુનાવણી કરવા નવી બેંચની વહેલી તકે રચના કરવાની બિલકિસ બાનોની વિનંતીને નકારી કાઢી હતી. બિલકીસ બાનો તરફથી હાજર રહેલા એડવોકેટ શોભા ગુપ્તાએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચને વિનંતી કરી હતી કે આ મામલાની સુનાવણી માટે બીજી બેન્ચની રચના કરવાની જરૂર છે. ચીફ જસ્ટિસ ચંદ્રચુડે તેના પર કહ્યું, રિટ પિટિશન સૂચિબદ્ધ કરવામાં આવશે કૃપા કરીને એક જ વસ્તુનો વારંવાર ઉલ્લેખ કરશો નહીં.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીએ મંગળવારે બિલકીસ બાનો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા હતા. અગાઉ, ગુજરાત સરકારે આ કેસમાં તમામ 11 દોષિતોને માફ કર્યા હતા અને આ વર્ષે 15 ઓગસ્ટના રોજ તેમને મુક્ત કર્યા હતા.
અગાઉ, જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીની બેન્ચ મંગળવારની કાર્યવાહી માટે બેઠી કે તરત જ જસ્ટિસ રસ્તોગીએ કહ્યું કે તેમના સાથી જજ આ કેસની સુનાવણી કરવાનું પસંદ કરશે નહીં. જસ્ટિસ રસ્તોગીની અધ્યક્ષતાવાળી બેન્ચે આદેશ આપ્યો હતો કે, આ મામલો એવી બેંચ સમક્ષ મૂકવામાં આવે જેમાં અમારામાંથી એક જજ ન હોય.
જો કે, બેન્ચે જસ્ટિસ બેલા ત્રિવેદીએ સુનાવણીમાંથી પોતાને દૂર કરવા પાછળના કોઈ કારણનો ઉલ્લેખ કર્યો નથી. બિલકીસ બાનો તરફથી હાજર રહેલા એડવોકેટ શોભા ગુપ્તાએ કહ્યું કે તેઓ માત્ર એ વાતથી ચિંતિત છે કે કોર્ટનું શિયાળુ વેકેશન શરૂ થવાનું છે, તેથી તેઓ ઇચ્છે છે કે કેસની સુનાવણી વહેલી તકે શરૂ થાય.
ગોધરા કાંડ પછીના રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો, એટલું જ નહીં તેના પરિવારના 7 સભ્યોની હત્યા પણ કરવામાં આવી હતી. ઘટના સમયે બિલકિસ બાનો 21 વર્ષની હતી અને તે 5 મહિનાની ગર્ભવતી હતી. આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટ દ્વારા કેસની ટ્રાયલ મહારાષ્ટ્રની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. 21 જાન્યુઆરી, 2008ના રોજ મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ તેની સજા યથાવત રાખી હતી.આ કેસમાં દોષિત ઠરેલા 11 લોકોને આ વર્ષે 15 ઓગસ્ટે ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે રાજ્યની માફી નીતિ હેઠળ આ દોષિતોને મુક્ત કરવાની મંજૂરી આપી હતી. સરકારના આ નિર્ણયનો બિલકિસ બાનો સહિત અનેક સંગઠનોએ વિરોધ કર્યો હતો અને તેમના તરફથી કોર્ટમાં આ નિર્ણય વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.