સીબીઆઈએ ચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવની જામીન અરજીનો સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો હતો
ચારા કૌભાંડમાં જેલની સજા કાપી રહેલા લાલુ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે લાલુ યાદવની જામીન અરજી ફગાવી દીધી છે. લાલુ યાદવે સ્વાસ્થ્ય સારું ન હોવાના આધારે જામીન માંગ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે, લાલુ યાદવે જેલમાં જ રહેવું પડશે. જોકે હાલ તેઓ રાંચીની રિમ્સ હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા છે. ૧૯૮૦ના દશકા પછી બિહારના લોકો માટે આ પહેલી ચૂંટણી છે જે લાલુ પ્રસાદ યાદવ વગર લડવામાં આવી રહી છે. રાષ્ટ્રીય જનતા દળની કમાન તેમના હાથમાં છે પરંતુ તેમના બંને દીકરાઓમાં જ સારા સંબંધો નથી. તેમના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવે આરજેડી વિરુદ્ધ નવી પાર્ટીની શરૂઆત કરી છે અને લાલુ રાબડી મોર્ચો બનાવીને બે જગ્યાએથી ઉમેદવાર ઉભા રાખવાની વાત કરી છે.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી બેંચ જામીન અરજી પર સુનાવણી કરી હતી. સુનાવણીમાં સીબીઆઈએ કહ્યું આ એવો મામલો છે, જેમાં જામીન દેવાથી ઉચ્ચ પદો પર ભ્રષ્ટાચાર કરતા લોકોમાં ખોટી છાપ પડશે. સીબીઆઈએ કહ્યું કે આમ પણ છેલ્લાં આઠ માસથી વધુ સમયથી લાલુ યાદવ હોસ્પિટલમાં છે અને રાજકીય પ્રવૃતિઓમાં સક્રિય છે. સીબીઆઈએ પોતાના જવાબમાં કહ્યું કે અરજકર્તાને હોસ્પિટલમાં રહેવાની અવધીમાં વધારો નથી કર્યો પરંતુ તમામ સુવિધાવાળો વોર્ડ પણ આપ્યો છે. જ્યાંથી તેઓ રાજકીય પ્રવૃતિઓ ચલાવી રહ્યાં છે, જે તેમને મળવા આવેલા લોકોની યાદીથી સ્પષ્ટ થાય છે. સીબીઆઈએ કહ્યું કે લાલુ યાદવ એટલાં ગંભીર બીમારો હોવાનો દાવો કરે છે કે તેઓ જેલમાં ન રહી શકે અને તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર છે.
જે બાદ અચાનકથી તેઓ શારીરિક રીતે સંપૂર્ણ ઠીક થઈ ગયા અને હવે જામીન માગે છે. સીબીઆઈ વધુમાં કહ્યું કે લાલુ પ્રસાદ ચાર કેસમાં દોષિત છે અને તેઓને ૧૬૮ મહિનાની સજા સંભળાવવામાં આવી છે. જેમાંથી તેઓએ માત્ર ૨૦ મહિનાની જ સજા પૂર્ણ કરી છે, જે તેમને સજા સંભળાવાઈ છે તેના માત્ર ૧૫ ટકાથી પણ ઓછા છે.
RJD પ્રમુખે પોતાની જામીન અરજી ફગાવવાના ઝારખંડ હાઈકોર્ટના ૧૦ જાન્યુઆરીના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. લાલુ પ્રસાદે ૯૦૦ કરોડ રૂપિયાથી વધુના ચારા કૌભાંડના ત્રણ કેસમાં દોષિત જાહેર થયા છે. RJD પ્રમુખને ઝારખંડમાં સ્થિત દેવધર, ઠુમકા અને ચાઇબાસાની સરકારી તિજોરીમાંથી કપટ કરીને ધન કાઢવાના ગુનામાં દોષિત જાહેર થયા છે. હાલ તેમના પર દોરંદા કોષાઘરથી ધન કાઢવાના સંબંધે કેસ ચાલી રહ્યો છે.