સુનાવણી માટે પહેલાથી જ તારીખની સ્પષ્ટતા કરવામાં આવી છે: સુપ્રીમ કોર્ટ

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મામલે હિન્દુ મહાસભાની ત્વરીત સુનાવણી કરવાની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ અરજીની સુનાવણી ઠુકરાવતા સુપ્રીમે કહ્યું કે, કોર્ટ પહેલાથી જ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂકયું છે. સુનાવણી માટે પહેલાથી જ તારીખ ફાળવી દેવામાં આવી છે. અખીલ ભારતીય હિન્દુ મહાસભા તરફથી વકીલ તરૂણ સિન્હાએ સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરી હતી.

ચિફ જસ્ટીસ રંજન ગોગોઈ અને જસ્ટીસ એ.કે.કોલે કહ્યું કે, અમે આ અંગે તમામ આદેશો પારીત કરી ચૂકયા છીએ કે, સુનાવણી જાન્યુઆરીમાં જ થશે. તેની સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે, જાન્યુઆરીમાં ઉપર્યુકત પીઠ સુનાવણી કરશે.

સરકાર તરફથી વકીલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, આ મામલાની જાન્યુઆરીમાં કયારથી સુનાવણી થશે ? તેના પર ખંડપીઠે કહ્યું હતું કે, આ અંગેના તમામ નિર્ણયો નવી પીઠ જ કરશે. કોર્ટના આદેશ બાદ હવે સુનાવણી કયારથી થશે, રોજ થશે કે નહીં, આ મુદ્દે નવી પીઠ તેનો નિર્ણય લેશે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચિફ જસ્ટીસ દિપક મિશ્રા, જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ અબ્દુલ નઝીરની પીઠે આદેશ કર્યો છે કે, વિવાદિત જમીનના માલીકીના નિર્ણયો ૩ જજોની પીઠ દ્વારા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.