સુપ્રીમ કોર્ટ આજે રાજકીય રીતે ખૂબ સંવેદનશીલ મુદ્દો બનેલા રામ મંદિર કેસની સુનાવણી શરૂ કરી હતી અને 60 સેકન્ડમાં જ આ કેસની વધુ સુનાવણી 10 જાન્યુઆરી સુધી ટાળી દીધી હતી. હવે આ કેસની સુનાવણી 10 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં થશે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે નવી બેન્ચ બનાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટમાં આજે એક પણ પક્ષની દલીલો સાંભળવામાં આવી નથી.
આ કેસમાં અલાહાબાદ હાઈકોર્ટે તેમના નિર્ણયમાં 2.77 એકર જમીન સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલ્લા વચ્ચે સમાન રીતે વહેંચણી કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 29 ઓક્ટોબરે કહ્યું હતું કે, આ કેસ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં યોગ્ય બેન્ચની સામે રજૂ કરવામાં આવશે જે તેની સુનાવણીનો ક્રમ નક્કી કરશે. ત્યારપછી અખિલ ભારત હિન્દૂ મહાસભાએ એક અરજી દાખલ કરીને સુનાવણીની તારીખ આગળ વધારવાની માંગણી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આવું કરવાની ના પાડી દીધી હતી.