કાયદો કે રૂઢી સર્વોપરી?
મહિલાઓને મંદિરમાં પ્રવેશવા ન દેવા ઘર્ષણ: વિરોધીઓ ભાન ભૂલ્યા, હિંસા થઈ: પાંચ દિવસ સુધી મંદિરના દરવાજા ખુલ્લા રહેશે
સબરીમાલા મંદિરમાં પ્રવેશના મુદ્દે વડી અદાલતે આપેલા ચુકાદા બાદ અનેક વિવાદો થયા છે. ગઈકાલે સબરીમાલા મંદિર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. મંદિરમાં મહિલાઓના પ્રવેશની છૂટ મળતા અનેક મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે રૂઢીચુસ્તોએ તેમને પ્રવેશ કરવા દીધો ન હતો. પોલીસ અને રૂઢીચુસ્તો વચ્ચે ઘર્ષણ થયું હતું.
વડી અદાલતના આદેશ બાદ સબરીમાલા મંદિરના દરવાજા દરેક વયની મહિલાઓ માટે ખોલી નાખવામાં આવ્યા હતા. પરંતુ વડી અદાલતનો આ આદેશ કેટલાક રૂઢીવાદીઓને પચ્યો ન હોય મહિલાઓના બે કટકા કરી નાખવાની ધમકીથી લઈ સામૂહિક આપઘાતની ચિમકીઓ પણ આપવામાં આવી હતી. આ તમામ વિવાદો વચ્ચે ગઈકાલે સબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની મહિલાઓ ન પ્રવેશે તે માટે પેંતરા શરૂ કરાયા હતા.
મહિલાઓને ૨૦ કિ.મી. દૂર જ રોકી રખાઈ હતી. મંદિરના દ્વાર પાંચ દિવસ સુધી ખુલ્લા રહેશે. પરિણામે સરકારે રાજયમાં સુરક્ષા-વ્યવસ્થા વધારી છે. ગઈકાલે પોલીસને લાઠીચાર્જ પણ કરવો પડયો હતો. મંદિરમાં પ્રવેશના મુદ્દે વહેલી સવાર સુધી સંઘર્ષ થયો હતો.
મહિલાઓને મંદિરમાં પ્રવેશથી રોકવા રસ્તાઓ બ્લોક કરવા સહિતના પ્રયાસ થયા હતા. વડી અદાલતના ચૂકાદા છતાં પણ મહિલાઓના પ્રવેશ મુદ્દે બનેલી ઘટનાઓ સમાજમાં રૂઢીવાદીઓના પ્રભુત્વ તરફ ધ્યાન ખેંચી રહી છે. આ ઘટનાઓ બાદ કાયદો સર્વોપરી છે કે, રૂઢી ? તે અંગે દલીલો શરૂ થઈ છે.
અગાઉ પણ વડી અદાલતના આદેશ બાદ સમાજ તુરંત કોઈ સુધારા સ્વીકારવા તૈયાર નહોતો, અનેક કિસ્સા એવા જોવા મળે છે જેમાં સમાજે અદાલતના આદેશનું પાલન કરવામાં નનૈયો ભણ્યો હોય. જો કે, સમય જતાં સમાજમાં બદલાવ આવવાની તૈયારી થાય છે.