તીસરી આંખ ‘સુરક્ષા’ની ધજીયા ઉડાવી દેશે?
પોલીસ સ્ટેશનમાં થતાં અતિરેકને લઈને સીસીટીવીના ફૂટેજ માંગવાનો ‘માનવ’નો ‘અધિકાર’
સુપ્રીમ કોર્ટે બુધવારે તમામ પોલીસ મથકો, સુરક્ષા એજન્સીઓમાં સીસીટીવી કેમેરા લગાવવા તેમજ તેના ફૂટેજનો સંગ્રહ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમના આદેશમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, કોઈપણ આરોપીની પુછપરછ દરમિયાનના પણ સીસીટીવી ફૂટેજ હોવા જરૂરી છે. જસ્ટીસ આર.એફ.નરીમનની ખંડપીઠ દ્વારા આ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટની આર.એફ.નરીમનની ખંડપીઠે બુધવારે આદેશ આપતા કહ્યું હતું કે, તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસીત પ્રદેશોના તમામ પોલીસ મથકોમાં સીસીટીવી કેમેરાઓ હોવા જરૂરી છે. પોલીસ મથકના એન્ટ્રીથી માંડી એક્ઝિટ પોઈન્ટ, પ્રવેશ દ્વાર, લોકઅપ, કોરીડોર, લોબી, રિસેપ્શન તેમજ લોકઅપની બહારની બાજુએ સીસીટીવી કેમેરા હોવા અત્યંત જરૂરી છે. પોલીસ મથકનો કોઈપણ ખુણો તિસરી આંખની દેખરેખ બહાર ન હોવો જોઈએ તેવો આદેશ સુપ્રીમ કોર્ટે કર્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે, વર્ષ ૨૦૧૮માં એપેક્ષ કોર્ટે તમામ પોલીસ મથકોમાં સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવા અંગે નિર્દેશ કર્યો હતો. તમામ પોલીસ મથકોમાં માનવ અધિકારના હનન બાબતે સીસીટીવી કેમેરા લગાવવા તાકીદ કરવામાં આવી હતી. સુપ્રીમના આદેશમાં સ્પષ્ટ નોંધવામાં આવ્યું છે કે, તમામ સીસીટીવી કેમેરા નાઈટ વિઝન તેમજ ઓડિયો રેકોર્ડીંગ યુક્ત હોવા જરૂરી છે. તેમજ જે રાજ્યો તેમજ કેન્દ્ર શાસીત પ્રદેશો પાસે સીસીટીવી કેમેરાની સીસ્ટમ ઉપલબ્ધ ન હોય તેમણે તાત્કાલીક ધોરણે કમ સે કમ એક વર્ષ સુધીના ફૂટેજનો સંગ્રહ કરી શકે તેવી સીસ્ટમની ખરીદી કરવાનો આદેશ પણ કરાયો છે.
સુપ્રીમના આદેશમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ફક્ત પોલીસ મથકો જ નહીં પરંતુ કેન્દ્રની તપાસ એજન્સીઓ કે જેમણે પુછપરછ તેમજ ધરપકડ કરવાની સત્તા છે તેવી એજન્સીઓ જેવી કે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ), નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ), એન્ફોર્સમેન્ટ ડિરેકટરરેટ (ઈડી), નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી), ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ (ડીઆરઆઈ), સીરીયસ ફ્રોડ ઈન્વેસ્ટીગેશન ઓફીસ (એસએફઆઈઓ) સહિતની તમામ એજન્સીઓની ઓફિસમાં પણ સીસીટીવી કેમેરા તેમજ રેકોર્ડીંગ ઈક્વિપમેન્ટ તાત્કાલીક ધોરણે ઈન્સ્ટોલ કરવા આદેશ અપાયો છે.
સુપ્રીમે જે આદેશ કર્યો છે તેના પરિપેક્ષમાં વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૭માં કસ્ટોડીયલ ડેથ મામલે એપેક્ષ કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. જેમાં માનવ અધિકારના હનન અંગે પોલીસ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેને ધ્યાને રાખીને વર્ષ ૨૦૧૮માં તમામ પોલીસ મથકોમાં સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરવા અંગે નિર્દેશ કરવામાં આવ્યો હતો. તેમજ બાબત ફકત સીસીટીવી કેમેરા લગાવવા સુધી સીમીત રહી નથી પરંતુ પોલીસ મથકના ચપ્પે-ચપ્પા પર નજર રાખવા હેતુસર તમામ સીસીટીવીના એંગલ તથા ફૂટેજના સંગ્રહ અંગે પણ સ્પષ્ટ સુચના આપવામાં આવી છે.
સમાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને પ્રજાનું રક્ષણ થાય તે હેતુસર પોલીસ કાર્યરત હોય છે. જે રીતે સુપ્રીમે આદેશ કર્યો છે તે બાબત માનવ અધિકાર બાબતે ખુબ આવકારદાયક નિર્ણય છે. પરંતુ સીક્કાની બે બાજુની જેમ ફાયદાની સાથે ગેરફાયદાઓ પણ હોય જ છે. પોલીસ સ્ટેશનમાં રીઢા ગુનેગારોને પોલીસ પ્રત્યે ખૌફ રાખવા ‘મેથીપાક’ ચખાડવામાં આવતો હોય છે તે બાબત જગજાહેર છે અને સમાજ માટે દુષણ સમાન આવા તત્ત્વોમાં પોલીસનો ભય હોવો પણ ખુબજ જરૂરી છે. પરંતુ હવે પોલીસ મથકના તમામ ખુણામાં તિસરી આંખની નજર હોવાથી પોલીસ મેથીપાક સહિતના શસ્ત્રો આવારા તત્ત્વો વિરુધ્ધ ઉગામી શકશે નહીં, જેના પરિણામે સમાજ વિરોધી તત્ત્વોમાં પોલીસનો ભય સમાપ્ત થઈ જવાની ભીતિ પણ છે. બીજીબાજુ સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ થવાથી પોલીસની જે ગોપનીયતા જળવાવી જોઈએ તેની સામે પણ મોટો પ્રશ્ર્નાર્થ ઉભો થયો છે. પોલીસે તમામ પ્રકારની તપાસ મથકમાં રહીને જ કરવાની હોય છે. પરંતુ હવે પોલીસ મથકમાં સીસીટીવી ઈન્સ્ટોલ થવાથી ગોપનીયતાના સવાલો પણ ઉભા થશે.
પોલીસ મથકનો ખુણે-ખુણો તિસરી આંખથી સજ્જ
સુપ્રીમના આદેશમાં સ્પષ્ટ ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે, પોલીસ મથકના તમામ ખુણે-ખુણામાં તિસરી આંખની દેખરેખ હોવી જરૂરી છે. જેમાં પોલીસ મથકના પ્રવેશદ્વારથી માંડી એક્ઝિટ પોઈન્ટ, મુખ્ય પ્રવેશ દ્વાર, લોકઅપ, તમામ કોરીડોર, લોબી, રિસેપ્શન, આઉટ હાઉસ, ઈન્સ્પેકટર ચેમ્બર, સબ ઈન્સ્પેકટર ચેમ્બર, લોકઅપની બહારની બાજુ, સ્ટેશન હોલ, કમ્પાઉન્ડ, વોશરૂમ-ટોયલેટની બહારની બાજુ, ડયુટી ઓફિસર ચેમ્બર તેમજ પોલીસ મથકના આગળ, પાછળના તમામ વિભાગોમાં તિસરી આંખની દેખરેખ જરૂરી છે.
તમામ સીસીટીવી કેમેરા ઓડિયો-વિડિયો રેકોર્ડીંગ યુક્ત હોવા જરૂરી: સુપ્રીમ
સુપ્રીમે કહ્યું છે કે, જે સીસીટીવી કેમેરા પોલીસ મથકમાં લગાવવામાં આવે તેમાં વિડીયોની સાથે ઓડિયો રેકોર્ડીંગ પણ હોવું જરૂરી છે. જે વિભાગોમાં વીજ કનેકશન અથવા તો ઈન્ટરનેટની વ્યવસ્થા ન હોય તેવી જગ્યાઓએ ત્વરીત ધોરણે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારે વીજ કનેકશન-સૌર ઉર્જા સહિતના માધ્યમોથી વીજ પહોંચાડવો જરૂરી છે. તેમજ તમામ પોલીસ મથકોમાં ઈન્ટરનેટ કનેકશન પણ આપવા તાકીદ કરવામાં આવી છે. સુપ્રીમે ઉમેર્યું છે કે, જે સીસીટીવી કેમેરા ઉપલબ્ધ કરાવવામાં આવે તેમાં ક્લીયર ઈમેજ રીઝોલ્યુશન હોવું જરૂરી છે.
સીસીટીવીના સાધનોની જાળવણીની સંપૂર્ણ જવાબદારી હાઉસીંગ ઓફિસરની
સુપ્રીમે કહ્યું છે કે, જે સીસીટીવીના સાધનો પોલીસ મથકમાં ઈન્સ્ટોલ કરવામાં આવે અને તેમાં સમય જતાં કોઈ ખામી કે ત્ર્રુટી સર્જાય તો તાત્કાલીક ધોરણે તે અંગે ઉપરી અધિકારીઓ તેમજ જવાબદાર અધિકારીઓને જાણ કરવાની રહેશે. તેમજ સાધનોના રીપેરીંગ તેમજ મેન્ટેનન્સની જવાબદારી પ્રાથમિક તબક્કે સ્ટેશન હાઉસીંગ ઓફિસર તેમજ ઉપરી ઓર્થોરીટીની રહેશે. તમામ સાધનોનું રીપેરીંગ તાત્કાલીક ધોરણે કરવાનું રહેશે અને જો રીપેરીંગ શક્ય ન હોય તો ખરીદી પણ ટૂંક સમયમાં કરવાની રહેશે.
૧૮ મહિના સુધી ફૂટેજનો સંગ્રહ થઈ શકે તેવા કેમેરાની ખરીદી કરવાની જવાબદારી સરકારના શિરે: સર્વોચ્ચ અદાલત
સર્વોચ્ચ અદાલતે નોંધ્યું છે કે, તમામ સીસીટીવી કેમેરાની સીસ્ટમ નેટવર્ક વીડિયો રેકોડર સીસ્ટમથી સજ્જ હોવું જોઈએ. ઈન્સ્ટોલ કરવામાં આવતા તમામ કેમેરામાં ફૂટેજનો સંગ્રહ ૧૮ મહિના સુધી થવો જોઈએ. જો આજની તારીખે સીસ્ટમની ખરીદી કરવામાં આવતી હોય તો અને તો જ ઓછી સંગ્રહ શક્તિવાળી સીસ્ટમ માન્ય ગણાશે. તેમાં પણ એક વર્ષથી નીચેનો સંગ્રહ ધરાવતી સીસ્ટમ બિલકુલ માન્ય રાખવામાં આવશે નહીં જેનું નિરીક્ષણ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે કરવાનું રહેશે. હાલના તબક્કે પણ બજારમાં કોમર્શીયલ સીસીટીવી સીસ્ટમ ઉપલબ્ધ છે કે જેમાં ૧૮ મહિના સુધીના ફૂટેજનો સંગ્રહ કરી શકાય છે. તેથી રાજ્ય અને કેન્દ્ર સરકારોએ સર્વોત્તમ સાધનો ખરીદવાનો આગ્રહ રાખવો જેથી વારંવાર બદલાવવાની જરૂર રહે નહીં.
અગાઉ ઈન્સ્ટોલ થયેલા સીસીટીવીની પરિસ્થિતિનો રિપોર્ટ રજૂ કરવા આદેશ
સુપ્રીમે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશના ડાયરેકટર જનરલ અને ઈન્સ્પેકટર જનરલને પરીપત્ર જાહેર કરી નવી જોગવાઈઓ અંગે જાણ કરવાની રહેશે. તમામ પોલીસ મથકના હાઉસીંગ ઓફિસરને સીસીટીવી કેમેરાના ઈન્સ્ટોલેશનથી માંડી ડેટા મેન્ટેનન્સ, બેકઅપ તેમજ રીપેરીંગ માટેની જવાબદારી સોંપવામાં આવે અને જો હાઉસીંગ ઓફિસર તેમાં ઉણા ઉતરતા જણાય તો આ ત્ર્રુટીઓના એકમાત્ર જવાબદાર હાઉસીંગ ઓફિસરને જ ગણવામાં આવશે. ઉપરાંત ડાયરેકટર જનરલને એવો પણ આદેશ કરવામાં આવ્યો છે કે, જે પોલીસ મથકોમાં અગાઉ સીસીટીવી ઈન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે ત્યાં ચાલુ અને બંધ કેમેરાની પરિસ્થિતિ અંગે જાણ કરતો રીપોર્ટ રજૂ કરવા જણાવાયું છે.