આપરાધિક કેસમાં કોઈ ત્રાહિત વ્યક્તિ પક્ષકાર બની શકે નહીં: દોષીતો વતી હાજર રહેલા વકીલની દલીલ
નારી ગૌરત્વના હનન સમાન બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટ તમામ આરોપીઓને જેલ મુક્તિના રાજ્ય સરકારના આદેશ સંબંધિત તમામ કાગળો બે સપ્તાહમાં રજૂ કરવા આદેશ આપ્યો છે. ગુજરાત સરકાર દ્વારા માફી નીતિ અંતર્ગત છોડી મુકવામાં આવેલા બિલકિસ બાનો કેસના 11 દોષિતો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા આદેશ આપ્યા છે.
ગુજરાતના વર્ષ 2002 ના રમખાણોની પીડિતા બિલ્કિસ બાનોના દોષિતોની મુક્તિના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે આ કેસમાં દાખલ કરાયેલી તમામ અરજીઓ પર નોટિસ પાઠવી છે. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનો કેસમાં રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બે સપ્તાહમાં દોષિતોને મુક્ત કરવા સંબંધિત તમામ દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરવા જણાવ્યુ છે.સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી ત્રણ અઠવાડિયા પછી થશે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બે અઠવાડિયામાં અરજી પર જવાબ દાખલ કરવા જણાવ્યુ છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં, મુક્ત કરાયેલા 11 લોકોને અરજીકર્તા તરફથી પક્ષ ન બનતા સુનાવણી શુક્રવારે ટળી ગઈ છે. બિલ્કિસ બાનોએ આ કેસમાં કહ્યું હતું કે તેમના અને તેમના પરિવારના સાત સભ્યો સાથે જોડાયેલા આ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોની સજા પૂર્ણ થયા પહેલા અપાયેલી મુક્તિએ તેના ન્યાય પરના વિશ્વાસને તોડી નાખ્યો છે. બિલ્કિસ બાનો સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સદસ્યોની હત્યાના દોષિત 11 લોકોને ગુજરાત સરકારે માફી નીતિ અંતર્ગત સજા માફી આપી દીધી હતી. ત્યારબાદ 15 ઓગષ્ટે તેમને ગોધરા સબજેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
સરકારના આ પગલાની ટીકા કરતા બિલ્કિસે કહ્યું કે આટલો મોટો અને અન્યાયી નિર્ણય લેતા પહેલા કોઈએ તેમની સુરક્ષા વિશે ન પૂછ્યું અને ના તો તેના ભલા વિશે વિચાર્યું હતું. તેમણે ગુજરાત સરકારને તેમના નિર્ણયને બદલવા અને તેને કોઈપણ ભય વિના શાંતિથી જીવવાનો અધિકાર આપવા જણાવ્યું હતું. બિલ્કિસ બાનો વતી તેમના વકીલે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે 15 ઓગસ્ટ, 2022 ના રોજ જ્યારે મેં સાંભળ્યું કે મારી ત્રણ વર્ષની દીકરીને મારી પાસેથી છીનવી લેનારા 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે, જેમણે મારા પરિવાર અને મારું જીવન બરબાદ કર્યું હતું. તો મારી સામે 20 વર્ષ જૂનો ભયાનક ભૂતકાળ ફરી જાગ્રત થઈ ગયો. બિલ્કિસે કહ્યું કે આજે તે માત્ર એટલું જ કહી શકે છે કે એક મહિલા માટે આ રીતે ન્યાય કેવી રીતે સમાપ્ત થઈ શકે? તેમણે કહ્યું, મે દેશની સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ કર્યો. મેં તંત્ર પર ભરોસો કર્યો અને ધીમે ધીમે મારા ભયાનક ભૂતકાળ સાથે જીવવાની કોશિષ કરી રહી હતી. પરંતુ દોષિતોની મુક્તિની સાથે મારી માનસિક શાંતિ ડહોળાઈ ગઈ છે અને મારો ન્યાય પરથી ફરી મારો વિશ્વાસ ઉઠી ગયો છે. બિલ્કિસે કહ્યુ મારુ દુ:ખ, મારી પીડા અને ન્યાય પરથી મારો વિશ્વાસ ઉઠી જવો એ માત્ર મારી સમસ્યા નથી. પરંતુ કોર્ટમાં ન્યાય માટે લડી રહેલી તમામ મહિલાઓની વાત છે. જસ્ટિસ અજય રસ્તોગી અને બી.વી. નાગરત્નાની ખંડપીઠે શુક્રવારે આ મામલે સુનાવણી કરી હતી. જેલ મુક્તિ મેળવનાર દોષીતો વતી એડવોકેટ ઋષિ મલ્હોત્રા હાજર રહ્યા હતા. એડવોકેટ ઋષિ મલ્હોત્રાએ ખંડપીઠ સમક્ષ જણાવ્યું હતું કે, અગાઉ કોર્ટે દોષીતોને પક્ષકાર બનાવવાનો આદેશ આપ્યો હતો પરંતુ અરજકર્તાસ ગુરુવારે પક્ષકાર બનાવવાની અરજી દાખલ કરી છે. નિયમ અનુસાર પક્ષકાર બનાવેલા દોષીતોને નોટિસ બજાવવી જરૂરી છે. નોટિસ મેળવ્યા બાદ જવાબ રજૂ કરવાનો હોય છે. જે ફક્ત એક જ દોષિત વતી રજૂ કરવામાં આવ્યો છે તેવી મલ્હોત્રાએ દલીલ કરી હતી. મલ્હોત્રાએ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા દ્વારા દાખલ કરાયેલી અરજીનો પણ વિરોધ કરતા કહ્યું હતું કે, આપરાધિક મામલામાં કોઈ ત્રાહિત વ્યક્તિ કેવી રીતે અરજી દાખલ કરી શકે? આ મામલામાં કોઈ ત્રાહિત વ્યક્તિને પક્ષકાર બનવાની મંજૂરી આપી શકાય નહીં કારણ કે, આ એક આપરાધિક મામલો છે.
રાજ્ય સરકારના વકીલને તમામ રેકર્ડ સર્વોચ્ચ અદાલતના ધ્યાને મુકવા આદેશ
મામલામાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં અરજદારો તરફથી હાજર રહેલા એક વકીલે કહ્યું હતું કે તેમની અરજીનો મુદ્દો થોડો અલગ છે. ત્યારે બેન્ચે રાજ્ય સરકરના વકીલને બે અઠવાડિયામાં સંબંધિત તમામ રેકોર્ડ ફાઇલ કરવા જણાવ્યું હતું. ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોમાંથી ભાગી જતી વખતે બિલ્કીસ બાનો 21 વર્ષની અને પાંચ મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેના પર સામૂહિક બળાત્કાર થયો હતો.
નારી ગૌરત્વ હનન કેસમાં દોષીતોની જેલમુક્તિ મામલે અનેક અરજીઓ દાખલ કરાઇ
કોર્ટે સીપીઆઈ(એમ) નેતા સુભાષિની અલી, પત્રકાર રેવતી લાલ અને કાર્યકર્તા રૂપરેખા રાનીની અરજી પર નોટિસ જારી કરી છે. કોર્ટે અરજદારોને આ કેસમાં 11 દોષિતોને પક્ષકાર તરીકે રજૂ કરવા કહ્યું હતું, જેમને મુક્તિ આપવામાં આવી છે. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ પણ દોષીતોની જેલમુક્તિને પડકારતી સુપ્રીમ કોર્ટમાં એક અલગ અરજી દાખલ કરી છે અને તેની અરજી પણ શુક્રવારે સુનાવણી માટે સૂચિબદ્ધ કરાઈ હતી. સુનાવણી દરમિયાન 11 દોષિતોમાંથી એક માટે હાજર રહેલા એડવોકેટ ઋષિ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે અરજદારોએ આ લોકો સામે પ્રતિવાદી તરીકે કાર્યવાહી કરવા ગુરુવારે અરજી દાખલ કરી છે.