31 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહેલા આરોપીને મુક્તિ મળી
સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા એ.જી. પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના દોષિતોમાંના એક એજી પેરારીવલનની મુક્તિ અરજી પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. આ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પેરારીવલનની અકાળે મુક્તિની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આજીવન કેદની સજા ભોગવી રહેલા એજી પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. નિષ્ણાતો માને છે કે હવે શ્રીલંકાના નાગરિક નલિની શ્રીહરન, મારુગન સહિત કેસમાં અન્ય છ દોષિતોની મુક્તિની આશા પણ ઊભી થઇ છે. ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ
શ્રીપેરુમ્બુદુર, તમિલનાડુમાં હત્યા કરવામાં આવી હતી અને પેરારીવલનની 11 જૂન 1991ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ઘટના સમયે પેરારીવલન 19 વર્ષનો હતો અને છેલ્લા 31 વર્ષથી જેલમાં હતો.
રાજીવ ગાંધી હત્યા કેસમાં સાત લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તમામ દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ 2014માં સુપ્રીમ કોર્ટે તેને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. આ પછી પણ કોઈ રાહત ન મળતાં જ દોષિતોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.
ઉલ્લેખનીય છે કે 2016 અને 2018માં જે.જયલલિતા અને એ.કે. પલાનીસામીની સરકારે દોષિતોને મુક્ત કરવાની ભલામણ કરી હતી. પરંતુ ત્યારપછીના રાજ્યપાલોએ તેનું પાલન ન કર્યું અને અંતે તેને રાષ્ટ્રપતિ પાસે મોકલી દીધું. લાંબા સમયથી દયા અરજી પર નિર્ણય ન આવવાને કારણે દોષિતોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.