૧૦-૧૦ વર્ષથી ગેરકાયદેસર કબ્જાના કેસનો નિકાલ થતો ન હોવાથી સુપ્રિમે સુચન કર્યું
ગેરકાયદેસર કબજાના કેસોને પ્રાથમિકતા આપવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ કોર્ટને આદેશો આપી દેવામાં આવ્યા છે. તેમાં પણ જયાં જમીન અને મીલકતા માલિક દ્વારા તપાસ અને ઝડપી કામગીરીની માંગ કરવામાં આવી હોય તેમાં ખાસ ધ્યાન દેવા સુચન થયું છે. સુપ્રિમ કોર્ટે આ માટે કરેલા અભ્યાસમાં બહાર આવ્યું હતું કે, ગેરકાયદેસર કબ્જાના કેસોના ઉકેલમાં ઘણો સમય લાગી જાય છે અને સતત સુનાવણી બાદ પણ તેનો ઉકેલ ન આવતા મકાન અથવા જમીન માલીકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત કેસનો ભરાવો પણ વધી જાય છે. આ પરિસ્થિતિમાં ગેરકાયદેસર કબજાના કેસોને પ્રાથમિકતા આપવા માટે સુપ્રીમ કોર્ટે ભાર મુકયો છે. આ બાબતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એ.એમ.સાપર અને આર.ભાનુમતીની ખંડપીઠે અભ્યાસ કર્યો હતો અને કેરળ સહિતની કોર્ટમાં ગેરકાયદેસર કબજાના કેસ એક દાયકાથી વધુ સમયથી ચાલતા હોવાનું બહાર આવ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાને લઈને ખંડપીઠે કહ્યું હતું કે, ગેરકાયદેસર કબજાના કેસમાં ઝડપી સુનાવણી થવી જોઈએ અને બને તેટલી ઝડપથી કેસનો નિકાલ થાય તો પેન્ડીંગ રહેલા કેસોની સંખ્યામાં ઘટાડો પણ થશે. કેરળમાં ગેરકાયદેસર કબજાના કેસને ધ્યાને લઈને સમગ્ર સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે તમામ કોર્ટોને ઝડપી સુનાવણીના આદેશ આપ્યા હતા.